કપડવંજ નગરપાલિકાના સભાખંડ ખાતે યોજાયેલી બજેટ બોડૅમાં ફિયાસ્કો થતાં સભા માત્ર 5 મિનિટમાં સમેટાઇ ગઈ હતી. નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બજેટ બોર્ડમાંનગરપાલિકાના 28 સભ્યોમાંથી 24 સભ્યો બજેટ સભામાં હાજર રહ્યા હતાં. તે પૈકીના 13 સભ્યોએ વિરોધ દર્શાવતા બજેટ નામંજૂર કરવામાં આવ્યું હતું અને આ ઉપરાંત અન્ય તમામ એજન્ડા ઉપરના મહત્વના કામો પણ નામંજૂર કરવામાં આવ્યા હતાં.આ બજેટ બેઠકમાં ચીફ ઓફિસર કૈલાસબેન પ્રજાપતિ તથા ઉપપ્રમુખ નીરવ પટેલ તેમજ કારોબારી સમિતિ ચેરમેન અલ્પેશ પંડ્યા સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ બજેટ બોર્ડમા નગરપાલિકા સદસ્ય અને ક્ષત્રિય આગેવાન નિમેશસિંહ એન.જામ દ્વારા અગાઉ ઠરાવ કર્યા મુજબ મહારાણા પ્રતાપની પ્રતિમાનું સ્થાપન કરવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો.તથા નગરપાલિકાની ગંભીર આર્થિક પરિસ્થિતિમાં નગરપાલિકાની મિલ્કતો બારોબાર વેચાઈ જતી અટકાવવા અનુરોધ કર્યો હતો અને આવકના સ્ત્રોત વધારવા ઉપર ભાર મૂક્યો હતો. નગરપાલિકાની આ સભામાં ઈમ્તિયાઝ શેખ, મોઈન શેખ અને પંકજ પટેલે વિરોધ વ્યક્ત કર્યો હતો.