વડાપ્રાધાન મોદીએ વર્તમાન સરકારમાં રેલ્વેના બદલાતા સ્વરુપનો પરિચય કરતા જણાવ્યું હતું કે કેવી રીતે રેલ્વે પ્રોજેક્ટ રોજગારની ગેરંટી બની રહ્યા છે. તેમણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ૪૧ હજાર કરોડ રુપિયાથી વધુ રકમની લગભગ બે હજાર યોજનાઓનો શિલાન્યાસ કરતાં આ વાત જણાવી હતી. ૩૦૦ જિલ્લાના ૫૫૦ રેલ્વે સ્ટેશનો મોડર્ન બનાવાશે.
પીએમે પ્રધાનમંત્રી અમૃત ભારત યોજના હેઠળ કુલ ૫૫૩ રેલ્વે સ્ટેશનોના રિડેવલપમેન્ટનો પણ શિલાન્યાસ કર્યો. લગભગ ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત આ સ્ટેશનોનું રિડેવલપમેન્ટ ૧૯,૦૦૦ કરોડથી વધુ રકમના ખર્ચે કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે લગભગ દસ વર્ષ પહેલા ભારતીય ઇકોનોમી ૧૧મા નંબરે હતી અને તે સમયે રેલ્વેનું સરેરાશ બજેટ ૪૫,૦૦૦ કરોડ રુપિયાની આસપાસ રહેતું હતું. આજે દેશ પાંચમા નંબરની આર્થિક તાકાત છે અને તેનું બજેટ લગભગ અઢી લાખ કરોડ રુપિયા છે.
તેમણે જણાવ્યું હતું કે હવે કલ્પના કરો કે જ્યારે આપણે વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાશક્તિ બનીશું તો આપણા સામર્થ્યમાં કેટલો વધારો થશે. તેમણે જણાવ્યું હતું કે આજે રેલ્વે લાઇન બિછાવવાની ગતિ બમણી થઈ ગઈ છે, જમ્મુ-કાશ્મીરથી લઈને પૂર્વોત્તર સુધી રેલ્વે પહોંચી રહી છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે નવી રેલ્વે લાઇન બીછાવાય છે ત્યારે મજૂરથી લઈને એન્જિનીયર સુધીના લોકોનાને કામ મળે છે. સિમેન્ટ, સ્ટીલ, ટ્રાન્સપોર્ટ જેવા અનેક ઉદ્યોગોમાં નવી નોકરીઓની સંભાવના બને છે.
તેમણે જણાવ્યું હતું કે જ્યારે સ્ટેશન વધુ મોટા અને આધુનિક થશે ત્યારે વધુ ટ્રેનો રોકાશે. વધારે લોકો આવશે તો આસપાસ રહેનારાઓને પણ ફાયદો થશે. રેલ્વે નાના ખેડૂતો, નાના કારીગરો અને વિશ્વકર્મા સાથીઓના ઉત્પાદનોને પ્રોત્સાહન આપે છે. તેથી એક સ્ટેશન, એક ઉત્પાદન યોજના હેઠળ સ્ટેશન પર સ્પેશ્યલ દુકાનો બનાવાઈ છે. આપણા રેલ્વે સ્ટેશનો પર હજારો સ્ટોલ લગાવીને ઉત્પાદનો વેચવામાં મદદ કરવામાં આવી રહી છે.
ભારતીય રેલ્વેને ખેતી અને ઔદ્યોગિક પ્રગતિની સૌથી મોટી વાહક ગણાવતા મોદીએ જણાવ્યું હતું કે રેલ્વેની ગતિ ઝડપી થતા સમય બચશે. દૂધ, માછલી, ફળ જેવા ઉત્પાદનોને ઝડપથી બજાર સુધી પહોંચવામાં મદદ મળશે.તેનાથી ઉદ્યોગોને ખર્ચ પણ બચશે. તેનાથી મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે.