તા.૨૮ ફેબ્રુઆરી-૨૦૨૪ના રોજ વિધાનસભા ગૃહમાં નાણા વિભાગની માંગણીઓની ચર્ચાના જવાબમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના વકતવ્યમાં લોખંડી પુરુષ સ્વ.શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવા નડિયાદ કે જ્યાં સરદારની આગેવાનીમાં આઝાદીની લડતના અનેક સત્યાગ્રહો થયેલા તેવા ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકાને અપગ્રેડ કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગેની જાહેરાત કરી હતી.
નાણામંત્રીએ જાહેરાત કરતી વખતે નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ મુખ્યદંડક પંકજભાઈ દેસાઈની માંગણીને ધ્યાને લઈ નડિયાદને મહાનગર નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવેલ છે તેમ જણાવ્યું હતું. વધુમાં નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ મુખ્યદંડક પંકજભાઈ દેસાઈ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ એવા સી.આર. પાટીલને પણ રજૂઆત કરવામાં આવી હતી અને તેઓ દ્વારા સરકારમાં રજૂઆત કરાતાં આજે નડિયાદને મહાનગર નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવેલ છે.
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પણ ગૃહમાં નડિયાદને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવા બદલ રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માન્યો હતો.
તેમને વધુમાં જણાવ્યું હતું કે નડિયાદ એ સાક્ષર ભૂમિ છે જયાં અનેક સાક્ષરો અને સાહત્યકારોએ જન્મ લીધો છે. નડિયાદએ આઝાદી સમયે ક્રાંતિ અને આંદોલનોની ભૂમિ રહી છે, ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત નડિયાદના તમામ નાગરિકોને સરકારની ભેટ સમાન લાગણી સમજી લોકો દ્વારા આ જાહેરાતને વધાવી લેવામાં આવી છે.