કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, માતર ધારાસભ્ય તથા કપડવંજ ધારાસભ્ય સહિત જિલ્લા કલેકટર અમિત, જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ “દિશા” સમિતિની બેઠક યોજાઇ હતી. જેમા દેવુસિંહ ચૌહાણ દ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ હેઠળ છેલ્લા દસ વર્ષમાં જિલ્લામાં થયેલ કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા સરકારી યોજનાના અમલીકરણ અંતર્ગત છેલ્લા દસ વર્ષમાં થયેલ કામગીરીની માહિતી પીપીટીના માધ્યમથી આપવામા આવી હતી.
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ એ તમામ વિભાગોની કામગીરીની નોંધ લઈ વિવિધ યોજનાઓ જેમ કે કિસાન સન્માન નિધિ, કુપોષણ મુક્ત ખેડા પ્રોજેક્ટ, પીએમ સ્વનિધિ યોજના, વિશ્વકર્મા યોજના, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની યોજના, આવાસ યોજનાના વગેરે કામો તથા લાભાર્થીઓ વિશે વિગતે સમીક્ષા કરી હતી.
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા માર્ગ અને મકાનના કામો ઝડપથી થાય, વન વિભાગ દ્વારા પડી ગયેલા તથા નડતરરૂપ વૃક્ષોનું કટીંગ સમયસર કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તથા નાગરિકોને વધારે લાભ થાય તે માટે વેચાણ કેન્દ્રોના સ્થળોમાં ફેરફાર કરવા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, જિલ્લાકક્ષાના ઉચ્ચ અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરઓ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.