વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ફરી ગુજરાતના ગરબાને યાદ કર્યા છે. તેમણે લોકપ્રિય ગુજરાતી નૃત્ય ગરબાને જીવન, સંસ્કૃતિ અને ભક્તિનો ઉત્સવ કહી કહ્યું કે, વિશ્વભરમાં ગરબાની લોકપ્રિયતા વધી રહી છે. યુનેસ્કોએ ગત વર્ષે છ ડિસેમ્બરે ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કર્યો હતો અને થોડા દિવસો પહેલા પેરિસમાં એક કાર્યક્રમમાં ‘ગુજરાતના ગરબા’ને સર્ટિફિકેટ (UNESCO Certificate) પણ આપ્યું હતું.
વડાપ્રધાને ગુજરાતના ગરબાને મળેલ સર્ટિફિકેટ શેર કર્યું
વડાપ્રધાન મોદીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘ગરબો જીવન, સંસ્કૃતિ અને ભક્તિનો ઉત્સવ છે. ગરબા લોકોને એક સાથે પણ લાવે છે. વિશ્વભરમાં ગરબાની લોકપ્રિયતા વધી હોવાનું જાણી ખુશી થઈ. થોડા દિવસો પહેલા યુનેસ્કોએ ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કર્યો હતો. ત્યારબાદ પેરિસમાં ગુજરાતના ગરબાને પ્રમામપત્ર એનાયત કરાયું હોવાની જાણી મને ખુશી થઈ. આ ઉપરાંત પેરિસમાં એક યાદગાર નાઈટ ગરબાનું પણ આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયો જોડાયા હતા.’ આ સાથે વડાપ્રધાન ગુજરાતના ગરબાને મળેલ સર્ટિફિકેટ અને પેરિસમાં યોજાયેલા કાર્યક્રમની કેટલીક તસવીરો પણ શેર કરી છે. ગુજરાતનું ગરબા નૃત્ય આ યાદીમાં સામેલ થનારું 15મું ઇન્ડિયન હેરિટેજ (ICH) બની ગયું છે.
Garba is a celebration of life, culture and devotion. It also brings people together. It is gladdening to note that Garba’s global popularity on the rise!
Sometime ago, Garba found a place in the @UNESCO Intangible Cultural Heritage list. I am glad that the Certificate of… pic.twitter.com/h5gmEFZsWn
— Narendra Modi (@narendramodi) March 27, 2024
યુનેસ્કોએ ડિસેમ્બરમાં ગરબાને અમૂર્ત સંસ્કૃતિક વારસાની ઓળખ જાહેર કરી હતી
ગરબા એ એક ધાર્મિક અને ભક્તિપૂર્ણ નૃત્ય છે જે ગુજરાતમાં નવરાત્રીના હિન્દુ તહેવારના પ્રસંગે કરવામાં આવે છે, જે સ્ત્રી શક્તિ અથવા ‘શક્તિ’ની ઉપાસનાને સમર્પિત છે. યુનેસ્કોએ છ ડિસેમ્બર-2023ના રોજ ગુજરાતના પ્રતિષ્ઠિત ગરબાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (ICH)ને યુનેસ્કોની યાદીમાં સ્થાન આપ્યું હતું. નૃત્ય સ્વરૂપ તરીકે ગરબા ધાર્મિક અને ભક્તિના મૂળમાં ઊંડે ઊંડે જડાયેલું છે, જેમાં જીવનના તમામ ક્ષેત્રના લોકો સામેલ છે અને તે સમુદાયોને એકસાથે લાવતી જીવંત જીવન પરંપરા તરીકે આગળ વધતી રહે છે. યુનેસ્કોએ 2021ની ડિસેમ્બરમાં કોલકાતાના દુર્ગા પૂજા ફેસ્ટિવલને સાંસ્કૃતિક વિરાસતનો દરજ્જો આપ્યો હતો.
ભારત સરકારે બે વર્ષ પહેલાં ગરબાનો પ્રસ્તાવ મૂક્યો હતો
યુનેસ્કો દ્વારા ડિસેમ્બરમાં ગરબાને વર્ષ 2023નો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરવામાં આવ્યો હતો. આ માટે ભારત સરકારે બે વર્ષ પહેલાં પ્રસ્તાવ મૂક્યો હતો. યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું આંતરરાષ્ટ્રીય સંમેલન બોત્સ્વાનામાં યોજાયું હતું.