વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને રાષ્ટ્ર ચેતના માટે કામ કરે છે. ભારતીય જનતા પાર્ટી પણ ભારતીય સંસ્કૃતિનું જતન, સનાતન ધર્મનું રક્ષણ અને રાષ્ટ્રવાદી પાર્ટી હોવાના કારણે અમારૂ તેઓને સંપૂર્ણ સમર્થન છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ભાજપ સાથે છે, અને ભાજપ સાથે જ રહેશે, તેમ કપડવંજ કોટન સેલ ખાતે ખેડા જિલ્લા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મહાસંમેલનમાં સંસ્થા સ્થાપક અને પ્રમુખ આર.પી. પટેલે કોઈપણ શબ્દ ચોર્યા વગર સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું. વધુમાં તેઓએ અમદાવાદ ખાતે નિર્માણ થઈ રહેલ જગતજનની માં ઉમિયાનું વિશ્વનું સૌથી મોટું મંદિરની 2027 માં પ્રાણ પ્રતિષ્ઠા પણ ભારતના સંત નરેન્દ્ર મોદીના હસ્તે જ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી.એસ.ગોલ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી મણીભાઈ પટેલ, મહિલા વીંગના ચેરપસૅન રૂપલ પટેલ,જિલ્લા ભાજપ મહામંત્રી અપૂર્વ પટેલ,બિન અનામત આયોગના પૂર્વ પ્રમુખ વિમલ ઉપાધ્યાય ઉપરાંત દશ હજારથી વધુ પાટીદાર ભાઈઓ-બહેનો, વડીલોની ઉપસ્થિતિમાં વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિધર્મીઓની મોહજાળમાં સમાજની દીકરીઓ ન ફસાય તે માટે મા-બાપને સાવચેત રહેવા, મોબાઇલની ચુંગાલમાંથી બહાર આવી પરિવારમાં પ્રેમનું વાતાવરણ ઊભું કરવા, ઘર સભા કરી એકબીજા સાથે ખુલ્લા મને ચર્ચા કરવા જણાવ્યું હતું. સિંગલ ચાઈલ્ડ નહીં પણ દરેક પરિવારમાં ઓછામાં ઓછા બે સંતાનો હોવા જોઈએ તેમ જણાવવા સાથે તેઓએ સ્વચ્છતા,પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવવા સૌને અનુરોધ કર્યો હતો.તેઓએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ફક્ત પાટીદાર સમાજ માટે જ નહીં, પરંતુ તમામ સમાજ માટે શિક્ષણ, આરોગ્ય, સ્પોર્ટ્સ, કલ્ચરલ, છાત્રાલય, રોજગાર, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આસ્થા, એકતા અને ઊર્જાના ધામ તરીકે કાર્યરત છે. તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સરકારની કામ કરવાની મર્યાદાઓ હોય છે. જ્યાં સરકાર નથી પહોંચી શકતી ત્યાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સમાજને મદદરૂપ બને છે.
જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે પાટીદાર સમાજને લીડરોનો સમાજ ગણાવ્યો હતો. ધારાસભ્ય રાજેશ ઝાલાએ વિધાનસભાની ચૂંટણીમાં પોતાને વિજય બનાવવા બદલ પાટીદાર સમાજનો આભાર માનવા સાથે સમાજ માટે મદદરૂપ બનવાની ખાતરી આપી હતી.અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે અમૂલની કામગીરી જણાવી પશુપાલકો અને ખેડૂતોના વિકાસ માટે અમુલ કટીબધ્ધ હોવાનું જણાવી અમૂલની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. રૂપલ પટેલે સંસ્થામાં ચાલતી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓનું વર્ણન કરી સૌને તેનો લાભ લેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે અમુલના ચેરમેન વિપુલ પટેલે 25 લાખ રૂપિયા સંસ્થામાં આપવાની તથા શહેરમાં સરદાર પટેલની પ્રતિમા મુકવાનો પ્રસ્તાવ રજૂ કરતા જિલ્લા ભાજપ મહામંત્રી અપૂર્વ પટેલે એક લાખ તથા જશુભાઈ પટેલ (ભાગ્યોદય)એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
આ સંમેલનને સફળ બનાવવા નયન પટેલ (સંકલ્પ), કેતન પટેલ (મુખી), પરેશ પટેલ,નિખિલ પટેલ, શૈલેષ પટેલ (વકીલ), દિનેશભાઈ પટેલ (નિવૃત્ત બીઆરસી), દક્ષેશ પટેલ, હેમલતા પટેલ, નિલેશ પટેલ, જયેન્દ્ર પટેલ,નયન વી.પટેલ,જશુભાઇ પટેલ, જયેશ પટેલ, દશરથભાઈ પટેલ,નિરવ પટેલ, ચિન્ટુ પટેલ સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ પટેલ અને દિનેશભાઈ પટેલે કર્યું હતું.