ઉનાળાની ઋતુમાં આંખના ચેપનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તમારી આંખોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઉનાળામાં, ધૂળના નાના કણો હવામાં રહે છે, જે આપણી આંખોને નુકસાન પહોંચાડે છે. તે જ સમયે, ડિજિટલ યુગમાં મોબાઇલ અને લેપટોપનો ઉપયોગ પણ આંખોને નુકસાન પહોંચાડે છે.
આંખના નિષ્ણાત ડો.મનદીપ બસુઃ ગરમીની સાથે સાથે ગેજેટ્સ પણ આપણી આંખોને નુકસાન પહોંચાડે છે. તેના કારણે માથાનો દુખાવો, આંખોમાં બળતરા અથવા પાણીના નિકળવાની સમસ્યા થઈ શકે છે. પરંતુ ઉનાળાની ઋતુમાં આંખ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે આયુર્વેદ પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ડૉ.મનદીપ બસુ કહે છે કે આયુર્વેદ મુજબ આંખોનો સંબંધ પિત્ત દોષ સાથે છે. તે પાચન અગ્નિ અને ચયાપચયને નિયંત્રિત કરે છે. જ્યારે શરીરમાં પિત્તનું સંતુલન બગડે છે, ત્યારે આંખોની ઘણી સમસ્યાઓ થવા લાગે છે. આવો તમને જણાવીએ આયુર્વેદની કેટલીક ટિપ્સ, જેનાથી આંખો સ્વસ્થ રહેશે.
પાણીના છાંટા :
તમારા દિવસની શરૂઆતમાં જ આંખોમાં ઠંડા પાણીની છાલક મારી ધોઈને બરાબર સાફ કરો. આના કારણે, જમા થયેલો કચરો સાફ થઈ જાય છે અને આંખોના લુબ્રિકેશન માટે જવાબદાર ગ્રંથીઓ સક્રિય થઈ જાય છે.
સૂર્યપ્રકાશના સીધા સંપર્કથી બચો :
તીવ્ર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી આંખની સમસ્યાઓ પણ થઈ શકે છે. સૂર્યના યુવી કિરણોથી પણ આંખોમાં એલર્જી કે ઈન્ફેક્શન થવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં સનગ્લાસ પહેરીને જ બહાર નીકળો.
ગુલાબજળ અને કાકડી :
આંખોને ઠંડક આપવા અને સાફ કરવા માટે, ગુલાબજળમાં પલાળેલા કોટન પેડને દરરોજ 10 મિનિટ માટે તમારી આંખો પર લગાવો, જેનાથી ડાર્ક સર્કલ થવાની શક્યતા ઘટી જાય છે. આ સિવાય કાકડીના ટુકડા પણ આંખોની ઉપર રાખો જેનાથી આંખોમાં બળતરા થતા બંધ થઈ જશે અને આંખોને ઠંડક મળશે.
દિવસ દરમિયાન વધુ પાણી પી હાઇડ્રેટેડ રહો :
તમારી આંખોને સ્વસ્થ રાખવા માટે, તમારી જાતને હાઇડ્રેટેડ રાખવી મહત્વપૂર્ણ છે. તમારે દિવસભર પૂરતું પાણી પીવું જોઈએ. સાથે જ રસદાર ફળો, હર્બલ ટી અને જ્યુસનું સેવન કરો. તેનાથી આંખોની શુષ્કતા દૂર થશે.
ક્લોરિનેટેડ પાણીથી બચો :
ક્લોરિન એટલે કે સ્વિમિંગ પુલમાં જે પાણી હોય છે તેમાં ક્લોરિન એડ કરેલું હોય છે જે ઉનાળામાં આંખોને પણ નુકસાન પહોંચાડે છે. તેથી, ક્લોરિનના સંપર્કમાં આવવાથી તમારી આંખો પર સોજો આવવો, બળતરા અને ખંજવાળ આવવા લાગે છે ત્યારે સ્વિમિંગ ગોગલ્સ પહેરવાની સલાહ આપવામાં આવે છે.
આરોગ્યપ્રદ ખોરાક
આ સિવાય આપણા આહારની પણ આંખો પર ઘણી અસર પડે છે. આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. ફળો અને શાકભાજીમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા રસાયણો હોય છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ આંખના રોગો જેવા કે મોતિયા અને મેક્યુલર ડીજનરેશન સામે રક્ષણ આપે છે.