દેવપક્ષના વહિવટ માટે સત્સંગીઓએ વિશ્વાસ વ્યક્ત કરી શાંતિનો સંદેશ આપ્યો _ ચેરમેન હરીજીવનદાસજી
ગઢડા(સ્વામીના) મુકામે વડતાલ તાબાના શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ ના વહિવટી બોર્ડની ચૂંટણી બાદ બીજા દિવસે શાંતિપૂર્ણ રીતે મતગણતરી સંપન્ન કરાઈ હતી. આ ચૂંટણી અને પરિણામ માટે સત્સંગીઓએ ભારે આતુરતા પૂર્વક રાહ જોયા બાદ પરિણામો જાહેર થતા દેવ પક્ષના તમામ ઉમેદવારો દસ હજાર ઉપરાંત મતો મેળવીને વિજેતા જાહેર થયા હતા.
આ ચૂંટણી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે યોજાયેલા ચૂંટણી જંગની અને પરિણામની કામગીરી શાંતિપૂર્વક સંપન્ન થતા તંત્રએ હાંશકારો અનુભવ્યો હતો. આ ચૂંટણી બાદ બીજા દિવસે વ્હાઈટ હાઉસ ખાતે વહેલી સવારથી યોજાયેલી બેલેટ મત ગણતરી બપોરે 2-00 વાગ્યે પૂર્ણ થવા પામી હતી. આ ચૂંટણી પરિણામોમાં ત્યાગી વિભાગમાંથી સંત વિભાગમાં દેવપક્ષના હરીજીવન સ્વામીને 107 મતો મળતા વિજેતા જાહેર થયા હતા. તેમજ આચાર્ય પક્ષના સંત ઉમેદવાર હરીચરણદાસજીને 12 મતો મળ્યા હતા. તેમજ પાર્ષદ વિભાગમાં દેવ પક્ષના પાર્ષદ પોપટભગતને 62 મત મળતા વિજેતા જાહેર કરાયા હતા. તેમજ પાર્ષદ વિભાગમાં આચાર્ય પક્ષના ઉમેદવાર ભાનુભગતને 6 મતો પ્રાપ્ત થયા હતા. ઉપરાંત ત્યાગી વિભાગમાં બ્રહ્મચારી વિભાગમાંથી દેવપક્ષના બ્રહ્મચારી કપિલેશ્વરાનંદજી અગાઉ બિનહરીફ જાહેર થયા હતા. તેમજ ગૃહસ્થ વિભાગમાં ચાર ઉમેદવારોની પેનલ માટે દેવ પક્ષના જનકભાઈ મોહનભાઈ પટેલ (ભાવનગર) 10,773 મતો, બટુકભાઈ ઓધવજીભાઈ પટેલ (ભાવનગર) 10,779 મતો, વિનુભાઇ ભવાનભાઈ રાખોલીયા (અકાળા) 10,742 મતો, સુરેશભાઈ દામજીભાઈ ગાબાણી (ગોરડકા) 10,706 મતો પ્રાપ્ત થતા દેવપક્ષના ગૃહસ્થ વિભાગના તમામ ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. જયારે ગૃહસ્થ વિભાગમાં આચાર્ય પક્ષના રામજીભાઈ બચુભાઈ ગજેરા 1852 મતો, હિંમતભાઈ લાખાભાઈ કાનાણી 1832 મતો, કુંવરજીભાઇ નાગજીભાઈ કળથીયા 1812 મતો, વનમાળીભાઈ કરમશીભાઈ માથોળીયા 1785 મતો પ્રાપ્ત કર્યા હતા.
આ ચૂંટણી પરિણામો બાદ તમામ સાતેય બેઠકો ઉપર દેવપક્ષના ઉમેદવારો વિજયી જાહેર થતા દેવ પક્ષના સંતો, સમર્થકો અને વિજેતા ઉમેદવારોએ ખુશી વ્યક્ત કરી મિઠાઈ પ્રસાદી વહેંચી જીતનો જશ્ન મનાવ્યો હતો. આ તમામ ચૂંટણી પ્રક્રિયા અને પરિણામોની જાહેરાત પછી ચેરમેન હરીજીવનદાસજીએ જણાવ્યુ હતુ કે દેવ પક્ષના વહિવટમાં સત્સંગીઓએ વિશ્વાસ વ્યક્ત કરી શાંતિનો સંદેશો પાઠવ્યો છે. ત્યારે સામા પક્ષે અશાંતિ ફેલાવવાની કામગીરીનો કરૂણ રકાસ થતા સત્સંગીઓએ અશાંતિ ની વાતો ફગાવી દેતા દેવપક્ષના મતદારો અને સમર્થકો માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. જયારે બીજી તરફ આચાર્ય પક્ષના એસ.પી. સ્વામીએ પરિણામો બાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે દેવપક્ષે તૈયાર કરેલી મતદાર યાદીમાં આચાર્ય પક્ષના મતદારોના નામ નહી હોવા છતા બે હજાર જેટલા મતદારોએ વિરોધમાં મતદાન કરી આચાર્ય પક્ષ તરફે મતો આપ્યા છે. ઉપરાંત હજુ પણ ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીમાં બાકાત રહેલા મતદારો બાબતે અમારી કાનૂની લડત શરૂ રહેશે. આ પરિણામો બાદ પ્રથમ મિટીંગ યોજી બોર્ડના ચેરમેન સહિત હોદેદારોની નિમણૂંક જાહેર કરવામાં આવશે.