લોકશાહીના મહાપર્વમાં કોઈ પણ વ્યક્તિ મતદાનથી બાકાત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે 07 મે, 2024 મતદાન ના રોજ જિલ્લાના તમામ નાગરિકોની વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું કે ચૂંટણીના આ મહાપર્વમાં મતદાનની ઘડી નજીક આવી ગઈ છે. ત્યારે 07 મે, 2024 મતદાનના દિવસે સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોની મતદાન માટે પ્રતિક્ષા કરવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યું કે 07 મે ના રોજ સવારે 7:00 વાગ્યે થી સાંજે 06:00 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. પરંતુ ઉનાળાનો સમય હોવાથી સવારે 7:00 થી 10:00 વાગ્યા સુધીમાં મહત્તમ મતદાન કરવા તેમણે જિલ્લાવાસીઓને વિનંતી કરી.
વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ સિવાયના અન્ય માન્ય દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, દિવ્યાંગો માટે યુડીઆઇડી કાર્ડ, મનરેગા જોબકાર્ડ, બેંક દ્વારા પ્રમાણિત ફોટોવાળી પાસબુક સહિતના કોઈપણ દસ્તાવેજને લઈ જઈ મતદાન કરવા જણાવ્યું.
લોકશાહીના અવસરને ઉત્સાહપૂર્વક ઉજવવા માટે ખાસ કરીને જિલ્લાની મહિલા મતદારોને ઘરના મોભી તરીકેની જવાબદારી ઉપાડી સ્વયં મતદાન કરવા અને તેમના પરિવારજનોને પણ મતદાન કરાવી ખેડા જિલ્લાનો મતદાન આંક ઊંચો લઈ જવામાં સૌએ સહભાગી બનવા જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી.