શ્રીલંકાએ તાજેતરમાં દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ફ્રી વિઝા એક્સેસ પોલિસીના સમયગાળામાં વધારો કર્યો છે. તેમજ થાઈલેન્ડે પણ ફ્રી વિઝા પોલિસીને આગામી 6 મહિના સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. થાઈલેન્ડે ભારત અને તાઈવાનના પ્રવાસીઓ માટે તેના ફ્રી વિઝા પ્રોગ્રામને આગામી છ મહિના સુધી લંબાવ્યો છે.
આગામી 6 મહિના સુધી ભારતીય પ્રવાસીઓને વિઝાની જરૂર નહીં પડે
ભારતીય પર્યટકોને 11 નવેમ્બર 2024 સુધી વિઝા વગર દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. થાઈલેન્ડની અર્થવ્યવસ્થા પર્યટન પર સૌથી વધુ આધાર રાખે છે તેથી અર્થવ્યવસ્થાને વેગ આપવા તેમજ વધુ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે થાઈલેન્ડે આ નિર્ણય લીધો છે.
આ કાર્યક્રમ નવેમ્બર 2023માં શરૂ થયો હતો
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, મંગળવારે કેબિનેટની બેઠક બાદ થાઈ વડા પ્રધાન શ્રેથા થવિસિને ભારત અને તાઈવાનના પ્રવાસીઓને ફ્રી વિઝા પ્રોગ્રામ હેઠળ 1 મહિના સુધી રહેવાની છૂટ આપવાની જાહેરાત કરી હતી.
થાઈલેન્ડે ગયા વર્ષે નવેમ્બરમાં આ પ્રોગ્રામ શરૂ કર્યો હતો, જે અંતર્ગત ભારત અને તાઈવાનના પ્રવાસીઓને 15 દિવસ માટે ફ્રી વિઝા એન્ટ્રી આપવામાં આવી રહી હતી. થાઈ સરકારના કાર્યક્રમના સારા પરિણામો બાદ તેને આગામી 6 મહિના સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વર્ષે થાઈલેન્ડનું 28 મિલિયન ટુરિસ્ટનું લક્ષ્ય
2024 ના પ્રથમ ચાર મહિનામાં, થાઈલેન્ડમાં 12 મિલિયનથી વધુ વિદેશી પ્રવાસીઓ આવ્યા, જે ગયા વર્ષ કરતા 39 ટકા વધુ છે. પ્રવાસન અને રમત મંત્રાલયે જણાવ્યું હતું કે થાઇલેન્ડમાં સૌથી વધુ પ્રવાસીઓ ચીન, મલેશિયા, રશિયા, દક્ષિણ કોરિયા અને ભારતથી આવે છે.