સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યાં બાદ ગુરૂવારે પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરની સત્તાવાર મુલાકાતે પહોંચેલા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ આ કેન્દ્ર શાસિત પ્રદેશના લોકો પોતાની સરકાર ચૂંટી શકશે અને રાજ્યનો દરજ્જો પાછો મેળવી શકશે. પીએમ મોદીએ શ્રીનગરમાં રૂ. 1,500 કરોડના 84 વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં કેટલાંક દિવસોમાં બનેલી આતંકવાદની ઘટનાઓની ગંભીર નોંધ લેતાં તેમણે ચેતવણી આપી હતી કે, આતંકવાદીઓને તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવામાં આવશે.
લોકસભાની તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણીમાં વિક્રમી સંખ્યામાં મતદાન કરવા બદલ વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરના પ્રજાજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, તમે તમારા મત દ્વારા તમારા પ્રતિનિધિને ચૂંટશો તે દિવસો હવે બહુ દૂર નથી. જમ્મુ-કાશ્મીરના લોકો પોતાની સરકાર ચૂંટે તે દિવસો હવે આવી ગયા છે અને તેના માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પણ પુનઃબહાલ કરાશે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.
ઓગસ્ટ, 2019માં નાબૂદ કરાયેલી કલમ 370ની દિવાલ ધરાશાયી થવાની સાથે જ જમ્મુ-કાશ્મીરને ભારતીય બંધારણના લાભો મળવાની શરૂઆત થઈ ગઈ છે. તાજેતરમાં અહીં થયેલાં આતંકવાદી હુમલાની કેન્દ્રએ ગંભીર નોંધ લીધી હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, ગૃહ મંત્રીએ આ મામલે બેઠક કરી સમગ્ર તંત્રની સમીક્ષા કરી છે. જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને પાઠ ભણાવવામાં કોઈ કસર નહીં છોડાય. હું દિલ્હી અને જમ્મુ-કાશ્મીર વચ્ચેનું અંતર ઘટાડી, તેમની વચ્ચે હૃદયનું જોડાણ સ્થપાય તે માટે પ્રયત્નશીલ છું. મોદીએ અહીંના 20 જિલ્લાઓના 90 બ્લોક્સ માટે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના રૂ. 1,800 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યાં હતાં. આ ઉપરાંત તેમણે 2,000 લોકોને સરકારી નોકરીના એપોઈન્ટમેન્ટ લેટર પણ આપ્યાં હતાં.