ઉત્તરપ્રદેશ સરકારની કેબિનેટે અયોધ્યામાં રૂપિયા 650 કરોડના ખર્ચે ‘મંદિરોનું સંગ્રહાલય’ બનાવવા માટેના ટાટા સન્સના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિર્ણય અંગે જાણકારી આપતી વખતે પ્રવાસન મંત્રી જયવીર સિંહે કહ્યું કે, પ્રવાસન કંપનીને આંતરરાષ્ટ્રીય સ્તરના સંગ્રહાલય માટે 90 વર્ષ માટે એક રૂપિયાના ટોકન મની પર જમીન આપવામાં આવશે.
ટાટા સન્સે કેન્દ્ર સરકારના માધ્યમથી આ પ્રોજેક્ટનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં પોતાના સીએસઆર ફંડ અંતર્ગત 650 કરોડના ખર્ચથી સંગ્રહાલય બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પ્રવાસન મંત્રીએ વધુમાં કહ્યું કે, કેબિનેટે મંદિર નગરી અયોધ્યામાં અન્ય વિકાસ કામો માટે કંપનીના રૂપિયા 100 કરોડના વધારાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. આ સાથે કેબિનેટમાં લખનઉ, પ્રયાગરાજ અને કપિલવસ્તુમાં જાહેર-ખાનગી ભાગીદારી(પીપીપી) મોડલ અંતર્ગત હેલીપેડ બનાવીને હેલિકોપ્ટર સેવા શરુ કરવાની બાબતને મંજૂરી આપી છે.
ઉત્તરપ્રદેશના ત્રણ શહેરોની સીમાનો વિસ્તાર કરાશે
ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના ત્રણ મોટા શહેરો – વારાણસી, ગોરખપુર અને પ્રયાગરાજની સીમાનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે. યુપી સરકારના પ્રવક્તાના કહેવા પ્રમાણે, આ શહેરોની ડેવલપમેન્ટ ઓથોરિટીમાં કેટલાક ગામોને સામેલ કરવામાં આવશે. એક અન્ય મહત્વપૂર્ણ નિર્ણયમાં ઉત્તરપ્રદેશમાં પેપર લીક કરનારાઓને આજીવન જેલની સજા અને એક કરોડના દંડના પ્રસ્તાવને પણ કેબિનેટે મંજૂરી આપી છે. ઉત્તરપ્રદેશ કેબિનેટે પ્રવાસન વિભાગને શાકુંભરી દેવી મંદિરની પાસે મફત જમીન ફાળવણી કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. આ સાથે જ અમેઠી, બુલંદશહર, બારાબંકી અને સીતાપુરમાં ‘રાહી ટુરિસ્ટ હાઉસ’ને ટોકન પર આપવાના પ્રસ્તાવને પાસ કર્યો છે.
પેપર લીક મામલે યોગી સરકાર વટહુકમ લાવશે, 2 વર્ષની જેલ, 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ
પેપર લીકને રોકવા માટે ઉત્તર પ્રદેશ સરકાર એક મહત્વનું પગલું ભરવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પેપર લીક પર વટહુકમ લાવવા જઈ રહી છે. પેપર લીકના દોષિતો માટે બે વર્ષથી આજીવન કેદ તથા 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ થઈ શકે છે. રાજ્યમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા અને RO-ARO પરીક્ષાનું પેપર લીક થયું હતું. જેના કારણે યોગી આદિત્યનાથ સરકારની ભારે બદનામી થઈ હતી. તેને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024 લાવી રહી છે. આ વટહુકમ હેઠળ પેપર લીકમાં દોષિતને બે વર્ષથી આજીવન કેદ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરાશે. યોગી કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જો પેપર લીક કે અન્ય કારણોસર પરીક્ષાને અસર થશે તો થયેલો ખર્ચ સોલ્વર ગેંગ પાસેથી વસૂલવામાં આવશે. પરીક્ષાની ગેરરીતિઓમાં સામેલ કંપનીઓ અને સેવા પ્રદાતાઓને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવશે.