જિલ્લામાં તા.૨૬મી જૂનથી ૦૧ જુલાઈ-૨૦૨૪ દરમ્યાન સાપ્તાહિક ઉજવણીનાં ભાગ રૂપે પોલીસ કર્મચારીઓ “Say No to Drugs” નો બેચ યુનિફોર્મ ઉપર લગાડશે
નર્મદા જિલ્લામાં તા.ર૬મી જૂનના રોજ “ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ’’ નિમિત્તે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સામાન્ય જનતાને માદક પદાર્થના ઉપયોગ તથા હેરાફેરીથી થતી આડ અસરો અંગે જાગૃતિના ઉદ્દેશ્ય સાથે જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે પ્રથમ દિવસે રેલી યોજાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ લીલી ઝંડી આપી આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસ સહિત જિલ્લા પોલીસ વિભાગના કર્મીઓ જોડાયા હતા.
નર્મદા જીલ્લા પોલીસ દ્વારા “અંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ”ની ઉજવણીના ભાગ રૂપે લોકો વચ્ચે જઇ સ્કુલો, કોલેજોમાં સેમિનાર યોજવા, ડ્રગ્સ વિરોધી રેલીઓનું આયોજન કરવા, લોકો માટે વર્કશોપ, સેમિનાર યોજવા જેવા કાર્યક્રમો તા.૨૬/૦૬/૨૦૨૪થી આગામી તા.૦૧/૦૭/૨૦૨૪ દરમ્યાન સાપ્તાહિક ઉજવણીનાં ભાગ રૂપે કરવામાં આવનાર છે. આ સાપ્તાહિક ઉજવણીના ભાગ રૂપે જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓ “Say No to Drugs” નો બેચ યુનિફોર્મ ઉપર લગાડશે. સાથે નશીલા પદાર્થો અને માદક દ્રવ્યોની પ્રવૃત્તિની માહિતી પોલીસને મળી રહે તે માટે ટોલ ફ્રી નંબર- ૧૯૦૮ની બેનરના માધ્યમથી લોકોને જાણકારી આપવામાં આવનાર છે.
નર્મદા જીલ્લામાં ચરસ, ગાંજો, ડ્રગ્સ જેવા નાર્કોટીક્સ પદાર્થોનો ઉપયોગ થાય નહીં અને યુવા ધન નશાના રસ્તે ન જાય તેના માટે પોલીસ દ્વારા યુવાનો તથા લોકોમાં જાગૃતિ માટે અલગ અલગ કાર્યક્રમો, સેમીનારો, રેલીઓ, બેનર્સ, પેમ્પેલ્ટ્સ વહેંચણી કરી નશાની આડ અસરો અને તેનાથી બચવાના ઉપાયોની સમજ આપી જાગૃતિ કાર્યક્રમો યોજાનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા પોલીસ દ્વારા નાર્કોટીક્સનું દુષણ ડામવવા માટે છેલ્લા બે વર્ષ દરમ્યાન સતત પ્રયત્નશીલ અને સતર્ક રહી નીચે જણાવ્યા મુજબનાં NDPSના અનેક ગુનાઓ શોધી કાઢ્યા છે.