ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ ચાલુ મહિનામાં એટલેકે 31 જુલાઈ છે. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે.
આવકવેરા વિભાગે 28 બેંકોની યાદી પણ બહાર પાડી છે જ્યાં ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ, UPI અને બેંક કાઉન્ટર દ્વારા આવકવેરાના નાણાં જમા કરી શકાય છે. તેમાંથી 27 બેંકો પહેલાથી જ પોર્ટલ પર ઉપલબ્ધ હતી. 26 જૂનથી 28મી બેંક તરીકે પોર્ટલમાં ધનલક્ષ્મી બેંક ઉમેરવામાં આવી છે.
IT ડિપાર્ટમેન્ટ કહ્યું છે કે જ્યારે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો ત્યારે ઈ-પે ટેક્સ સર્વિસમાં ડાયરેક્ટ ટેક્સ પેમેન્ટ માટે ચલણ જનરેટ કરવું ફરજિયાત છે. ત્યાર બાદ ચલણ રેફરન્સ નંબર (CRN) જનરેટ થશે. દરેક ઈ-પેમેન્ટ સેવાનો ચલન નંબર અલગ અલગ હોય છે. CRN પછી, ટેક્સની રકમની ચુકવણી માટે નેટ બેન્કિંગનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે, જેમાં પસંદગીની 28 બેંકો વિકલ્પ તરીકે ઉપલબ્ધ હશે. તમે આમાંથી કોઈપણ એક બેંક પસંદ કરીને ચુકવણી કરી શકો છો.
તેવી જ રીતે, કોઈપણ એક બેંક પસંદ કરીને તમે ડેબિટ કાર્ડ અને UPI દ્વારા ચુકવણી કરી શકો છો. જોકે તેના માટે ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અને કોઈપણ એક બેંકનું UPI હોવું જરૂરી છે. જો આમાંથી કોઈ ઉપલબ્ધ ન હોય તો સંબંધિત બેંક શાખાઓના કાઉન્ટર પર ચલણ દ્વારા ચુકવણી કરી શકાય છે. અત્યાર સુધીમાં દેશભરમાં 1.42 કરોડથી વધુ લોકોએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે.
28 બેંક ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે
ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આવકવેરા વિભાગની કુલ 28 બેંકો ઉપલબ્ધ છે, જેમાંથી તમે કોઈપણ એક બેંક પસંદ કરી શકો છો અને રિટર્ન ફાઇલ કરતી વખતે ટેક્સની રકમ ચૂકવી શકો છો. પોર્ટલ પર ઉપલબ્ધ બેંકોમાં પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સિસ, બંધન, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, સિટી યુનિયન, ડીસીબી, એચડીએફસી, ફેડરલ બેંક, આઈસીઆઈસીઆઈ, IDBI, ઈન્ડિયન બેંક, ઈન્ડિયન ઓવરસીઝ, ઈન્ડસઈન્ડ, જમ્મુ અને કાશ્મીર, કરુર વૈશ્ય બેંક, કોટક મહિન્દ્રા, કર્ણાટક, પંજાબ એન્ડ સિંધ બેંક, RBL, સાઉથ ઈન્ડિયન, UCO, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને ધનલક્ષ્મી બેંક છે.