નર્મદા જિલ્લાના પ્રભારી અને અન્ન તથા નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી જનકલ્યાણના કામોમાં પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓ સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા તેમણે અધિકારીઓને આહ્વાન કર્યું હતું.
પ્રભારી મંત્રી પરમારે આ બેઠકમાં પ્રેરક સૂચન કરતા કહ્યું હતું કે, જરૂરતમંદ નાગરિકો માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કટિબદ્ધ છે. નર્મદા જેવા આકાંક્ષી જિલ્લાઓમાં સરકારી યોજનાઓનું અમલીકરણ સારી રીતે થાય છે અને હજુ પણ ટીમ સ્પીરીટથી સારી રીતે કામગીરી કરવાની છે.
તેમણે એમ પણ કહ્યું કે, સરકારી યોજનાઓ, કામોને આપવાની થતી મંજૂરીઓ ત્વરિત મળે એવી કાર્યશૈલી ગોઠવવી જોઇએ. જેથી સરકાર દ્વારા ફાળવવામાં આવેલા બજેટના નાણાની ફાળવણી અને જે તે કામગીરી પણ સમયમર્યાદામાં પૂર્ણ થઇ શકે.
આ બેઠકમાં સામાજિક અને ભૌતિક વિકાસના કામો જેવા કે, કુપોષણ, શિક્ષણ, વીજળીકરણ, સિંચાઇ અને પીવાના પાણી, કૃષિ, પ્રાકૃતિક કૃષિ, ખેડૂત કલ્યાણ, માર્ગ નિર્માણ જેવા મહત્વના પ્રોજેક્ટ અંગે પ્રભારી મંત્રીશ્રી દ્વારા વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સંબંધિત વિભાગના અધિકારી દ્વારા પ્રેઝન્ટેશન થકી યોજનાકીય બાબતની વિગતો આપવામાં આવી હતી.
કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ બેઠકના પ્રારંભે પ્રભારી મંત્રીનું સ્વાગત કરી કાર્યસૂચિની રૂપરેખા આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, નાયબ વન સંરક્ષક નિરજકુમાર, મદદનીશ કલેક્ટર સુશ્રી મુસ્કાન ડાગર, નિવાસી અધિક કલેક્ટર ચેતન ઉંધાડ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.