ભારતને ડિજિટલ ઇન્ડિયા બનાવવામાં જેટલું સારું કામ UPI એ કર્યું છે એટલું કોઈ બીજા ટૂલથી નથી થયું. હાલમાં રસ્તા પર ઉભેલા પાણીપુરીવાળાથી લઈને મોટા શોરૂમ સુધી દરેક નાના-મોટા પેમેન્ટની સુવિધા UPIમાં મળી રહી છે. પરંતુ હવે ટૂંક સમયમાં UPIની આ સિસ્ટમ વધુ મજબૂત બનવા જઈ રહી છે અને બેંકો UPI દ્વારા લોન લેવાની સુવિધા પણ આપવા લાગશે. દેશની ઘણી મોટી બેંકો UPI નો ઉપયોગ કરતા ગ્રાહકોને આ એપ પર લોન આપવાની યોજના બનાવી રહી છે. જો આવી સુવિધા શરૂ કરવામાં આવશે તો ગ્રાહકોને ઘણો ફાયદો થવાનો છે કારણ કે અપ્રૂવલ મળ્યા બાદ તરત જ લોકોના ખાતામાં પૈસા આવી જશે.
બેંકોએ બનાવ્યો લોન ઓફરનો આ પ્લાન
દેશની ઘણી બેંકોએ UPI એપ પર ગ્રાહકોને લોન આપવાની યોજના બનાવી છે. બેંકો યુપીઆઈ એપ પર ગ્રાહકોને નાની લોન આપી શકે છે, જે તેમને એફડીના બદલામાં મળશે. એટલે કે, બેંકમાં જે પણ FD કરાવશો, બેંક તે પૈસા મોર્ગેજ પર મૂકશે અને UPI દ્વારા જ લોન ઓફર કરશે. UPI સર્વિસનું સંચાલન કરતી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. જો કે, UPI સેવા પર ક્રેડિટ લાઇનની સુવિધા શરૂ કરી શકાય છે.
UPI પર FDના બદલે લોન આપવાની ઓફરની શરૂઆત દેશમાં સૌથી પહેલા પ્રાઈવેટ બેંક કરી શકે છે. આ માટે, NPCI સાથે મળીને, તેણે સિસ્ટમમાં માળખાકીય ફેરફારો કરવાનું પણ શરૂ કરી દીધું છે. પ્રાઈવેટ બેંકોનો ઉદ્દેશ્ય આ સુવિધા દ્વારા નવા ગ્રાહકોને બેંક સુધી લાવવાનો છે, જેનો બેંકમાં એકાઉન્ટ પણ નથી રાખતા.
આ પ્રકારની લોનનો બીજો ફાયદો એ છે કે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. તાજેતરમાં આરબીઆઈએ બેંકોની વધતી જતી અસુરક્ષિત લોન અંગે ચિંતા વ્યક્ત કરી છે. આમાંની મોટાભાગની લોન ખૂબ જ ઓછી રકમની હોય છે. એવામાં UPI પર ડિપોઝીટના બદલે લોન આપવી એ બેંકો માટે સસ્તું અને સલામત માધ્યમ છે. તેની શરતો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.