વિધિએ રક્ષાબંધન પર્વની ઉજવણી ગાંધીનગરમાં CRPFના જવાનોને રાખડી બાંધી કરી
દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા બહાદૂર સૈનિકોના હિતોની રક્ષા કરવાની જવાબદારી પણ સહિયારી છે. કોઇને કોઇ રીતે દેશની રક્ષા કરવા કાજે ખપી જનારા ભડવીર જવાનોની પાછળ વિલાપ કરતા તેમના પરિવારને મદદરૂપ થવું, એ સૌની નૈતિક ફરજ છે અને તે ફરજને નડીયાદની એક યુવતી સારી રીતે નિભાવતી આવી છે. વિધિ જાદવે ફરી એક વખત તાજેતરમાં કઠુંઆ અને ડોડામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નવ જવાનોના પરિવારોને આશ્વાસનપત્ર અને રૂ.પાંચ-પાંચ હજારની આર્થિક મદદ પહોંચાડી છે.
નડીયાદની વિધિ જાદવે અત્યાર સુધીમાં સેંકડો સૈનિક પરિવારોની મુલાકાત લીધી છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ જવાન શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે.
વિધિએ આજ સુધી કુલ ૩૯૨ શહિદ સૈનિકના પરિવારોને મદદ કરી ચૂકી છે અને તે પૈકી ૧૭૦ પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી છે તેમજ જુદા જુદા રાજ્યોમાં ૧૦ શહીદ સૈનિકોના સ્ટેચ્યુ અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી છે. આમ તો વિધિનો પરિવાર કંઈ માલેતુજાર નથી. મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકી શકાય એવો એનો પરિવાર છે.પરંતુ ઘણીવાર કોઈ દાતા ના મળે તો આ પરિવાર પોતે આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની આ પ્રવૃતિ ચાલુ રાખવામાં પીછેહઠ નથી કરતો. પોતાના ક્ષેત્રમાં નામાંકિત અને સમર્પિત દિકરી વિધિ જાદવ સરહદ પર શહીદ થતા દેશના સપુતો પ્રતિ સંવેદના તથા ફૂલની પાંખડીરૂપ નાણાંકીય સેવા માટે વરસોથી સક્રિય છે.આટલું જ પૂરતું નહિ પણ લાંબાગાળાના લાગણીસભર સંબંધોથી વતન માટે શહીદ થનાર પરિવારોને મદદરૂપ બને છે.
દુનિયામાં પોતાના હોય તેના પ્રત્યે આદર, લાગણી અને સંવેદના તો સૌને હોય,પરંતુ જેમની સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ છતાં તેમના હિત અને કલ્યાણ માટે પ્રયત્નશીલ હોય તેવા માનવો જ માનવ ગરિમાનું સાચું માધ્યમ બનતા હોય છે. સો સો સલામ છે,નડિયાદની આ દીકરીને…
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)