નવી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) હેઠળ બાળકો પરથી અભ્યાસના દબાણને ઘટાડવા તેમજ સરળતા સાથે અભ્યાસ કરાવવા શાળા શિક્ષણ સ્તરે, NCERT દ્વારા ધોરણ 3 અને 6 માટે બજારમાં નવા પાઠ્યપુસ્તકો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં બાળકોને ચંદ્રયાન અભિયાન સંબંધિત રસપ્રદ વાર્તા, દેશ પર ગર્વ કરાવતી કવિતાઓ, જીવન મૂલ્યો અને કૌટુંબિક સંબંધોને વધારતા પાઠ શીખવવામાં આવશે અને આની સાથે એવા પાઠ ભણાવવામાં આવશે જેથી બાળકો ભારત વિશે સારી રીતે જાણી અને સમજી શકે.
હાલ એનસીપી અંતર્ગત ફક્ત ધોરણ 3 અને 6 માટે પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. જો કે, આગામી બે વર્ષમાં અન્ય ધોરણોના પાઠ્યપુસ્તકો પણ તબક્કાવાર રજૂ કરવામાં આવશે. NCERT અનુસાર આ તમામ પુસ્તકો તૈયાર કરવાનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.
રસપ્રદ નામો સાથે આવ્યા પુસ્તકો
ધોરણ 3 અને 6 માટે જે પાઠ્યપુસ્તકો બહાર આવ્યા છે તેમાં ધોરણ 3નું ગણિત વિષયનું પાઠ્યપુસ્તક સૌથી રસપ્રદ છે, જેને ‘ગણિત મેળો’ નામ આપવામાં આવ્યું છે. આ પુસ્તક એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે આનું અભ્યાસ કરી બાળકોની ગણિત જાણવા અંગેની જિજ્ઞાસામાં વધારો થાય. આ પુસ્તકમાં કુલ 14 પાઠ છે, પરંતુ દરેક પાઠનું નામ ખૂબ જ રસપ્રદ છે. ‘નામમાં શું છે?’ ‘દોહરા શતક’, ‘નાની મા સાથે રજાઓ’, ‘કુછ લેના કુછ દેના’, ‘સૂરજકુંડ મેળા’ જેવા નામો છે. એટલું જ નહીં, નવા પુસ્તકમાં ત્રીજા વર્ગના બાળકો સમક્ષ ચંદ્રયાન મિશનની વાર્તા જે રીતે રજૂ કરવામાં આવી છે તે બાળકોના મન પર કાયમ માટે અંકિત થઈ જશે.
આ સત્રથી જ અભ્યાસમાં આવશે
શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, NCERT ધોરણ 3 અને 6ની તમામ પાઠયપુસ્તકો બજારમાં આવી ગઈ છે, જેને વિદ્યાર્થીઓ આ સત્રથી જ વાંચી શકશે. રાજ્યોને પણ આ પાઠ્યપુસ્તકો અપનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ 2020માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ બાદ શાળાઓ માટે નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
‘વિદેશીઓએ ભારતનું નામ ઇન્ડિયા કેમ રાખ્યું?’
દેશના ભારત અને ઇન્ડિયા નામ મુદ્દે અવારનવાર રાજનીતિ થતી હોય છે, ત્યારે આવી સ્થિતિમાં ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તકમાં NCERTએ ‘ઇન્ડિયા ધેટ ઇઝ ભારત’ નામનો પાઠ રાખ્યો છે, જેમાં તે જણાવવામાં આવ્યું છે કે દેશનું પ્રાચીન નામ શું છે. વળી, વિદેશીઓએ દેશનું નામ ઇન્ડિયા કેવી રીતે પાડ્યું? આ સાથે આ પુસ્તકમાં દેશની સંસ્કૃતિ અને તેના ઈતિહાસ વિશે પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.