કપડવંજ તાલુકામાં મેઘરાજાનું આજે ધમાકેદાર આગમન શરૂ થયું હતું. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી.જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને બફારા અને ગરમીથી રાહત મળી હતી.
ઘણા સમયથી કપડવંજ પંથકમાં વરસાદ વરસ્યો ન હતો.આજે બપોરે 12:00 વાગ્યાથી મેઘરાજાનું પવન અને વીજળીના કડાકા સાથે ધમાકેદાર આગમન શરૂ થયું હતું. સાંજે છ વાગ્યા સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અનેક નિચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા. જો કે વરસાદ બંધ થયા પછી સમયાંતરે પાણી ઓસર્યા હતાં. કપડવંજ પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થવાને કારણે અનેક લોકો વરસાદમાં પલડી ગયા હતાં ત્યારે અનેક લોકોએ વરસતા વરસાદમાં ભીંજાવાની મોજ માંણી હતી. જોકે બીજી તરફ કેટલાક લોકોના કામો વરસાદને કારણે અટવાયા હતાં.