ગુજરાતમાં દિવ્યાંગો માટે શિક્ષણ ખાતુ પણ દિવ્યાંગો (differently abled) માટે શાળામાં શિક્ષણ આપે છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં (School) નોર્મલ બાળકો સાથે વિકલાંગોને ભણાવાની યોજના ચાલે છે. ત્યારે ધોરણ 1થી 8ની સ્કૂલોમાં ભણતા દિવ્યાંગ વિદ્યાથીઓ માટે સ્પેશ્યલ એજ્યુકેટર્સ એટલે કે ખાસ શિક્ષકોની પ્રથમવાર TAT પરીક્ષા લેવામાં આવશે. જે 27મીએ લેવાશે. આ પરીક્ષા માટે રાજ્યભરમાંથી 5 હજાર ઉમેદવારો નોંધાયા છે.
ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાથીઓને ભણાવતા સ્પેશિયલ એજ્યુકેટર્સ માટે TAT પરીક્ષા ક્યારેય લેવામાં આવી નથી. હાઈકોર્ટના આદેશ બાદ સરકારે પ્રથમવાર TAT પરીક્ષા જાહેર કરી છે. સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ TAT પ્રથમવાર 27મી મેના રોજ લેવામા આવનાર છે. જેમાં ધોરણ 1થી 5ના શિક્ષકો માટે બપોરે 12થી દોઢ વાગ્યા સુધી અને ધોરણ 6થી 8ના શિક્ષક માટેની TAT સાંજે 4થી 6 દરમિયાન લેવાશે. આ પરીક્ષામાં 1થી 5 માટે 2500 ઉમેદવારો અને ધોરણ 6થી 8 માટે પણ 2500 ઉમેદવારો રાજ્યભરમાંથી નોંધાયા છે.
આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર અમદાવાદ જિલ્લાના મુખ્ય કેન્દ્રોમાં જ લેવામા આવનાર છે. પરીક્ષા બોર્ડ દ્વારા હાલ હોલ ટિકિટ પણ ઓનલાઈન જાહેર કરી દેવાઈ છે. આ TAT પરીક્ષાના પરિણામના આધારે દિવ્યાંગો માટેની ખાસ અલગ સ્કૂલો તેમજ સામાન્ય સ્કૂલોમાં પ્રથમવાર સ્પેશિયલ એજ્યુકેટર્સની ભરતી સરકાર દ્વારા કરવામા આવશે.
રાજ્યમાં વિકલાંગ બાળકોનું શિક્ષણ બે ખાતા હેઠળ ચાલે છે એક તો સમાજ કલ્યાણ ખાતા હેઠળ જેમાં 131 જેટલી બહેરા-મુંગા, અંધ, મંદબુદ્ધિ અને સેરિબ્રલ પાલ્સી શાળાઓમાં કે જેમાં 15 હજાર જેટલા બાળકો ભણે છે. આ શાળાઓ મોટા ભાગે સ્વૈચ્છિક સંસ્થાઓ હસ્તક છે. સરકાર તેને ગ્રાન્ટ આપે છે. રાજ્ય સરકારે છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં આ શાળાઓના સેટ અપની 540 જગ્યાઓ રદ કરી નાખી છે. જે આજ સુધી પુન: જિવીત થઇ નથી. પરિણામે છેલ્લાં 10 વર્ષથી વધ સમયગાળાથી સ્પેશિયલ એજ્યુકેટર(શિક્ષકો)ની ભરતી થઇ શકી નથી. શાળામાં બાળકો છે પણ સાચા શિક્ષકો નથી તે હકીકત છે.