આગામી સમયમાં આ રસ્તો નહીં બને તો ગ્રામજનો આંદોલન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી
કપડવંજ તાલુકાના દંતાલી ગ્રામ પંચાયતના પેટાપરા નવા રતનપુરા અને જૂના રતનપુરાનો અઢી કિલોમીટરનો રસ્તો કાદવ-કીચડથી ભરેલો છે. આ અંગે પૂર્વ સરપંચ રાઠોડ હરેન્દ્રભાઇ અંબાલાલે જણાવ્યું હતું કે દંતાલી ગ્રામ પંચાયતના પેટાપરા રતનપુરાની વસ્તી ૧,૨૫૦ ની છે અને ૧૪૦ જેટલા ઘરો આવેલા છે.તાજેતરમાં નવા રતનપુરાથી સ્મશાનયાત્રા કાદવ-કીચડમાં થઈને જવા માટે ડાઘુઓ મજબુર બન્યા હતાં. દંતાલીથી નવા રતનપુરા-જુના રતનપુરા થઈ લાડુજીના મુવાડાને જોડતો અઢી કિલોમીટરનો રસ્તો બિલકુલ બિસ્માર હોવાથી શાળામાં જતા બાળકોને, દૂધ ભરવા જતા પશુપાલકો, દવાખાને જતા, આરોગ્યની સેવાઓ માટે ૧૦૮ પણ આવી શકતી નથી અને દરેક કામકાજ માટે આ એક જ રાજ્ય માર્ગ આવેલ છે.પણ આઝાદીથી આજદિન સુધી આ અઢી કિલોમીટરનો રસ્તો બન્યો નથી.આ અંગે અગાઉ પૂર્વ સરપંચ રાઠોડ હરેન્દ્રભાઈએ નેતાઓ, અધિકારીઓ સહિત સંબંધિતોને અંગેની અનેકવાર જાણ કરવા છતાં પણ કોઈ પગલા લેવાયા નથી.આગામી સમયમાં આ રસ્તો નહીં બને તો ગ્રામજનો આંદોલન પણ કરશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી હતી.