તા. ૨૩ મી ઓગષ્ટથી પીએમ જનમન અભિયાન અંતર્ગત શરૂ કરાયેલી આદિવાસી બાંધવો માટે નવા આધાર નોંધણી, આધાર કાર્ડ અપડેશન સહિત જાતિના દાખલા કાઢી અપાયા
દેશ અને રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી બાંધવો માટે વડાપ્રધાન નેતૃત્વમાં રસ્તા, પાણી, આરોગ્ય, ટેલિકોમ્યુનિકેશન, વીજળી અને આવાસ જેવી પાયાની સુવિધાઓ પુરી પાડવાનુ એક લક્ષ્ય છે. જેનું નામ છે પીએમ જનમન કાર્યક્રમ જેના ભાગરૂપે જિલ્લા કલેકટર એસ.કે.મોદીની રાહબરી હેઠળ અને પ્રાયોજના વહીવટર હનુલ ચૌધરી માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં કુદરતના ખોળામાં વસતા આદિમ જૂથના ગરીબ પરિવારોને પાયાની સુવિધાઓ પુરી પાડવા માટે તા. ૨૩મી ઓગષ્ટ ૨૦૨૪ થી ૧૦મી સપ્ટેમ્બર સુધી દેડિયાપાડા અને સાગબારામાં વિવિધ વિભાગની ટીમો દ્વારા આધાર નોંધણી અને રાશનકાર્ડમાં સુધારણા અંગે ગામેગામે જઈને શ્રેષ્ઠ કામગીરી કરવામા આવી રહી છે.
નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાગબારા અને દેડિયાપાડાના ગામોમાં ઘરે-ઘરે જઈને સંબંધિત વિભાગના કર્મીઓ થકી આદિવાસી બાંધવોનુ સર્વે કરી બાકી રહી ગયેલા નવા આધાર નોંધણી, આધાર કાર્ડ અપડેશન, જાતિના દાખલા, પીએમ જન ધન એકાઉન્ટ, વીજ કનેક્શન સહિતના કામો કરવામાં આવી રહ્યા છે. જેના થકી સરકાર દ્વારા મળવાપાત્ર યોજનાઓનો લાભ તેઓ સરળતાથી મેળવી શકે છે.
પીએમ જનમન મહાઅભિયાન અંતર્ગત જનજાતી આદિવાસી બાંધવોને પાકું ઘર, દરેક ઘરમાં નળથી જળ, તમામ ગામ સુધી રસ્તા, વીજળી પહોંચી સૌને દ્વાર, શિક્ષણ માટે છાત્રાલય, કૌશલ્ય વિકાસ, અંતરિયાળ ગામો સુધી હરતું- ફરતું તબીબી એકમ, સૌને પોષણ, ઉન્નત આજીવિકા, અંતરિયાળ ગામો સુધી મોબાઇલ નેટવર્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવાની કામગીરીનો પુરતો પ્રયાસ વહીવટી તંત્ર દ્વારા આ અભિયાન અંતર્ગત કરવામાં આવી રહ્યો છે.