રાજ્યમાં તાજેતરમાં થયેલ ભારે વરસાદ સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિની અધ્યક્ષતામાં કલેક્ટકર કચેરી, નડિયાદ ખાતે બેઠક યોજાઈ હતી. તેમણે જિલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી થયેલ પરિસ્થિતિ અને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ રાહત – બચાવની કામગીરીની વિગતવાર માહિતિ લઈ અસરગ્રસ્ત લોકોને સત્વરે સહાય ચૂકવણી કરવા સૂચના આપી હતી.
અધિક મુખ્ય સચિવએ જિલ્લા વહીવટી તંત્રની રાહત બચાવની કામગીરીને બિરદાવીને આગામી સમયમાં આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવા નિવારક પગલાઓ માટે એક મોડેલ તૈયાર કરવા જણાવ્યું હતુ. ખાસ કરીને નદિકાંઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરી ત્યા વૃક્ષારોપણ કરવા સુચન કર્યુ હતુ. સાથે જ ગ્રામિણ સ્તરે એક તાલીમબદ્ધ આપદા મિત્રની ટીમ તૈયાર કરવા જણાવ્યું હતુ. તેમણે જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓને સ્થળ મુલાકાત કરી વરસાદ બાદની પરિસ્થિતિ અંગે સચોટ માહિતિ લઈ રાહત બચાવની કામગીરી કરવા તથા આવનાર સમયમાં પણ સંભવિત ભારે વરસાદની આગાહીને લઈ એલર્ટ મોડ પર તૈયાર રહેવા સુચના આપી હતી.
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જિલ્લામાં થયેલ વરસાદ અને તેના સંબધે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ રાહત બચાવની કામગીરી અંગે માહિતી આપી હતી. સાથે જ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોગ્ય, શિક્ષણ, વિજ પુરવઠો, ખેતીવાડી અને પશુપાલન સહિતની બાબતો અંગે વિગતવાર અહેવાલ રજૂ કરાયો હતો.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નાયબ જિલ્લા વનસંરક્ષક અભિષેક સામરીયા, નિવાસી અધિક કલેકટર ભરત જોષી, આસિ. કલેક્ટર અંચુ વિલ્સન, પ્રાતં અધિકારીઓ, નગરપાલીકા ચીફ ઓફીસરઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા.