વર્લ્ડ ચેમ્પિયનશિપ સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતની દીપ્તિ જીવનજીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં એથ્લેટિક્સની મહિલાઓની 400 મીટર T20 સ્પર્ધામાં 55.82 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ફાઇનલમાં ત્રીજા સ્થાને રહી હતી. દીપ્તિ જે આ મહિને 21 વર્ષની થશે તે યુક્રેનની યુલિયા શુલ્યાર (55.16 સેકન્ડ) અને વર્લ્ડ રેકોર્ડ ધારક તુર્કીની આયસેલ ઓન્ડર (55.23 સેકન્ડ) બાદ ત્રીજા સ્થાને રહી હતી. T20 શ્રેણી બૌદ્ધિક રીતે નબળા ખેલાડીઓ માટે છે.
News Flash: 16th medal for India at Paris Paralympics 😍
Deepthi Jeevanji wins Bronze medal in 400m T20 event. #Paralympics2024 pic.twitter.com/pWE1cAQoaK
— India_AllSports (@India_AllSports) September 3, 2024
એક તરફ ભારતની દીપ્તિએ 55.82 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. સિલ્વર મેડલ તુર્કીની અસેલ ઓન્ડેરએ જીત્યો હતો, જેણે 55.23 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. ગોલ્ડ મેડલ યુક્રેનની યુલિયા શુલિયરે જીત્યો હતો, જેણે 400 મીટરની રેસ 55.16 સેકન્ડમાં પૂરી કરી હતી. દીપ્તિએ રેસની છેલ્લી ક્ષણોમાં પોતાની જાતને ખૂબ આગળ ધપાવી અને ગોલ્ડ જીતવાની ખૂબ જ નજીક આવી ગઈ, પરંતુ છેલ્લા 10 મીટરમાં યુક્રેનિયન રનરે તેની ગતિ વધારી અને ગોલ્ડને નિશાન બનાવ્યો.
દીપ્તિ હાલની વર્લ્ડ ચેમ્પિયન છે
ભારતની દીપ્તિ પેરા એથ્લેટિક્સમાં મહિલાઓની 400 મીટર રેસ T20 કેટેગરીમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન છે. તેણે આ વર્ષે કોબેમાં યોજાયેલી પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તે 2022માં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ વિજેતા હતી. તમને એ પણ જણાવી દઈએ કે દીપ્તિએ પેરાલિમ્પિક્સની કોઈપણ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારત માટે ત્રીજો મેડલ જીત્યો છે. તેના પહેલા પ્રીતિ પાલે એથ્લેટિક્સમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
કોણ છે દીપ્તિ જીવનજી ?
દીપ્તિ જીવનજીનો જન્મ 27 સપ્ટેમ્બર 2003ના રોજ તેલંગાણાના કાલેડા ગામમાં થયો હતો. તે માત્ર 21 વર્ષની છે, પરંતુ ખૂબ જ ઓછા સમયમાં તેણે પેરા એથ્લેટિક્સમાં ઘણું નામ કમાઈ લીધું છે. દીપ્તિના પરિવારનું જીવન ખૂબ જ સંઘર્ષમય રહ્યું છે. આર્થિક સંકડામણના કારણે તેના માતા-પિતાને અડધો એકર જમીન વેચવી પડી હતી. પરંતુ આ પેરા એથ્લેટે તમામ સમસ્યાઓને પાર કરી સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે.