ગાંધી પરિવારના લાંબા સમયથી સલાહકાર રહેલા અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમના પિતા રાજીવ ગાંધી કરતાં વધુ બુદ્ધિશાળી અને વ્યૂહરચનાકાર છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીમાં ભાવિ વડાપ્રધાન બનવાના તમામ ગુણો છે.
ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા કહ્યુ કે, ભાજપ દ્વારા રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ દરમિયાન દેશનું નામ બદનામ કરવાના જે આરોપો લગાવવામાં આવ્યા છે તે ખોટા છે.
રાહુલ ગાંધીની આગામી અમેરિકા મુલાકાત વિશે વાત કરતાં પિત્રોડાએ કહ્યું કે ‘તેઓ કેપિટલ હિલ પર વ્યક્તિગત સ્તરે વિવિધ લોકો સાથે વાતચીત કરશે. અને આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી પ્રેસ ક્લબમાં મીડિયાકર્મીઓને મળશે. થિંક ટેન્ક લોકો સાથે વાત કરશે. જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં પણ મુલાકાત કરશે. રાહુલ ગાંધી 8-10 સપ્ટેમ્બરે અમેરિકાનો પ્રવાસ કરશે.
રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી પર શું બોલ્યા પિત્રોડા
રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી વચ્ચે સમાનતા અને તફાવતો વિશે પૂછવામાં આવતા પિત્રોડાએ કહ્યું કે, ‘મેં ઘણા વડાપ્રધાનો સાથે ખૂબ નજીકથી કામ કર્યું છે. જેમ કે રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ, મનમોહન સિંહ, વીપી સિંહ, ચંદ્રશેખર અને એચડી દેવગૌડા. પરંતુ રાહુલ અને રાજીવ વચ્ચેનો તફાવત એ હોઈ શકે છે કે રાહુલ વધુ બુદ્ધિજીવી અને વિચારક છે, જ્યારે રાજીવ ગાંધી પક્ષના કાર્યકર વધુ હતા. બંનેના ડીએનએ સરખા જ છે. રાહુલ ગાંધી ખરેખર એક સુંદર ભારતનું નિર્માણ કરવામાં વિશ્વાસ ધરાવે છે.’
‘રાહુલની ઈમેજ આયોજનપૂર્વક બગાડાઈ હતી’
સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે ‘મીડિયામાં આ અગાઉ જે ઇમેજ બનાવવામાં આવી હતી તે સુનિયોજિત અને આયોજનપૂર્વકના અભિયાન પર આધારિત હતુ. જેમાં લાખો ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે લોકો જોઈ રહ્યા છે કે આ ખોટી ઈમેજ હતી. રાહુલ ગાંધીમાં ભાવિ વડાપ્રધાન તરીકેની તમામ યોગ્યતાઓ છે. તે એક સજ્જન છે, અને સુશિક્ષિત છે.’
ભાજપની ટીકા પર પિત્રોડાએ શું કહ્યું?
સામ પિત્રોડાએ કહ્યું કે, ‘સરકારની ટીકા એ ભારતની ટીકા નથી. વિરોધ પક્ષના નેતાનું કામ સરકારની ટીકા કરવાનું છે. અને ભાજપ દ્વારા રાહુલ પર વિદેશમાં દેશનું નામ કલંકિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યા છે તે સંપૂર્ણપણે પાયાવિહોણો છે.’