કપડવંજ પંથકમાં શ્રી ગણેશ ઉત્સવ ભારે ધામધૂમ અને ભક્તિભાવથી ઉજવાયો હતો. શહેરમાં ગણેશ વિસર્જન પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શહેરની સંગમ નદીએ 12.00 વાગ્યાથી શરૂ થયેલ ગણેશ વિસર્જન રાત્રે 9.00 વાગ્યા સુધી ચાલ્યું હતું. અને શહેરના 300 જેટલા નાની-મોટા ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં હાથી, ટ્રેક્ટર, ગાડીઓ તથા અન્ય વાહનો સાથે ભક્તજનોએ વિશાળ સંખ્યામાં ભાગ લીધો હતો.
કપડવંજ પંથકમાં ભાદરવા સુદ 11 થી 15 દરમિયાન શ્રી નાના રત્નાકર માતા તથા શ્રી મોટા રત્નાકર માતાના સ્થળે લોકમેળો યોજાતો હોય ગણપતિ વિસર્જન વહેલાં કરવામાં આવે છે.
શહેરના બત્રીસ કોઠાની વાવ,અમથા પારેખની ખડકી, કાછીયાવાડ, નાની રત્નાકર માતા રોડ, મોટા નાગરવાડા, હોળી ચકલા, છોટે સિધ્ધનાથ મહાદેવ, સુથારવાડાના ચકલા, ધોળીકુઈ, ગોલવાડ, ઝાંપલી પોળ, લાંબીશેરી, ગોલવાડ, પટેલવાડા, ગાયત્રી નગર અંતીસર દરવાજા, ગુજરાત હાઉસિંગ બોર્ડ સહિત અનેક ગણપતિ ભક્તોના નિવાસસ્થાને તથા અનેક સ્થળોએ ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. જેની વિસર્જન યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી હતી.માર્ગો ઉપર ઢોલ- નગારા, બેન્ડ વાજા, ડીજે સાથે અબીલ-ગુલાલ અને “ગણપતિ બાપ્પા મોરિયા,અગલે બરસ તું જલ્દી આ” ના નારાથી શહેર ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં અને શોભાયાત્રામાં જોડાયેલ સૌનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવા સાથે શ્રદ્ધાળુઓ માટે અનેક સ્થળોએ પાણી, લીંબુ શરબત, કોલ્ડ્રીંકની વ્યવસ્થા કરવામાં આવી હતી.
શહેરમાં અનેક સ્થળોએ ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. આ ગણપતિ ઉત્સવ નિમિત્તે ભજન, સુંદરકાંડ, સત્યનારાયણની કથા, મહાઆરતી, અન્નકૂટ દર્શન, મ્યુઝિકલ પાર્ટી, બાળકો માટે ડાન્સ તથા રમત-ગમતના પ્રોગ્રામ, ડાયરો સહિત અનેક ધાર્મિક સાંસ્કૃતિક તથા મનોરંજનના કાર્યક્રમો યોજાયા હતાં, જેને માંણવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તથા વિવિધ સ્પર્ધામાં અનેક બાળકોએ ભાગ લીધો હતો.
આ વિસર્જન યાત્રામાં ડીવાયએસપી વી.એન. સોલંકી, ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર જનકસિંહ દેવડાએ તેમના સ્ટાફે તથા નગર સેવા સદનના ફાયર ફાઈટર તરફથી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
રિપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ )