ટ્રાફિક મૂવમેન્ટના મામલે ભારતમાં સૌથી ધીમા શહેર તરીકે ઓળખાતા બેંગ્લોરમાં દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન તૈયાર થશે. ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીએ 5 સપ્ટેમ્બરના રોજ બે ચેર-કાર હાઈ-સ્પીડ ટ્રેનના નિર્માણ માટે ટેન્ડર માંગ્યું છે. સ્ટેનલેસ સ્ટીલ કારબોડી ટ્રેનની મહત્તમ ઝડપ 280 કિમી પ્રતિ કલાક અને ઓપરેશનલ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક હશે. બિડ ભરવાની છેલ્લી તારીખ 19 સપ્ટેમ્બર હતી.
ટ્રેનનું નિર્માણ BEMLના બેંગ્લોરમાં સ્થિત પ્લાન્ટમાં કરવામાં આવશે. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નઈના મહાપ્રબંધક યુ સુબ્બા રાવે કહ્યું કે, ફક્ત BEMLએ બે 8-કાર ટ્રેન સેટ બનાવવા માટે ટેન્ડર આપ્યું છે, અને ટેન્ડરને એક સપ્તાહમાં અંતિમ રૂપ આપવામાં આવશે. કારણ કે આ ફક્ત બે ટ્રેનો માટેનો નાનો ઓર્ડર છે, તેથી અન્ય રોલિંગ સ્ટોક ઉત્પાદકો ભાગ લેવા માટે ઇચ્છુક નહોતા. અમારું લક્ષ્ય 2.5 વર્ષમાં નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનો છે.”
250 કરોડ રૂપિયામાં બનશે ટ્રેનો
BEML-મેધા સર્વો ડ્રાઈવ્સ દ્વારા બિડની ચોક્કસ રકમ સ્પષ્ટ નથી, પરંતુ અંદાજ છે કે એક ટ્રેન બનાવવામાં કુલ ખર્ચ 200-250 કરોડ રૂપિયા થશે. આ ટ્રેનો મુંબઈ-અહમદાબાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) કોરિડોર પર ચાલશે, જેને નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યું છે.
શરૂઆતમાં આ લાઈન પર જાપાનની શિંકાનસેન ટ્રેનો કે જની સ્પીડ 320 કિમી પ્રતિ કલાક( ઓપરેશનલ સ્પીડ) હોય છે તે ચલાવવાનું આયોજન હતું. જો કે, જાપાનીઝ ફર્મ્સ દ્વારા બિડમાં વધુ કિંમતના કારણે, કેન્દ્રીય રેલ્વે મંત્રાલયે સ્થાનિક સ્તરે હાઈ-સ્પીડ ટ્રેનો વિકસાવવાનો નિર્ણય કર્યો.
યુરોપિયન સ્તરના હશે કોચ
એક અધિકારીએ કહ્યું, “BEMLની કારબોડી નિર્માણ નિપુણતા અને મેધાની પ્રોપલ્શન ક્ષમતા સાથે, યુરોપિયન ધોરણોને અનુરૂપ સ્વદેશી હાઈ-સ્પીડ ટ્રેન બનાવી શકાશે. મેધાએ પહેલેથી જ વંદે ભારત ટ્રેનોમાં પ્રોપલ્શન સિસ્ટમ દ્વારા 160 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપ પ્રાપ્ત કરી છે. મેધા હવે 250 કિમી પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતી પ્રોપલ્શન ટેક્નોલોજી વિકસાવશે, જ્યારે BEML આવી ઝડપને સહન કરી શકે તેવા કારબોડીની રચના કરશે. BEML-મેધા દ્વારા આ પ્રોજેક્ટ માટે એક યુરોપિયન ડિઝાઇન સલાહકાર નિયુક્ત કરાય તેવી સંભાવના છે. 280 કિમી પ્રતિ કલાકની ડિઝાઇન સ્પીડ અને 250 કિમી પ્રતિ કલાકની ઓપરેશનલ સ્પીડ ધરાવતી પહેલી ટ્રેન ડિસેમ્બર 2026 સુધી શરૂ થવાની અપેક્ષા છે, જેનું પરીક્ષણ MAHSR લાઇનના સુરત-બિલીમોરા વિભાગ પર કરવામાં આવશે.
ભારતથી નિકાસની પણ યોજના છે
ટ્રેનમાં માનક 3+2 બેઠકો સાથે સાત બોગી અને 2+2 સીટિંગ સાથે એક એક્ઝિક્યુટિવ બોગી હશે. સૂત્રોના મતે, “કુલ બેઠકોની ક્ષમતા અંદાજે 174 હશે. મુસાફરોની માંગ પર આધાર રાખીને, ભવિષ્યમાં ટ્રેનમાં 12 અથવા 16 બોગીઓ ઉમેરાઈ શકે છે. દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકા જેવા નિકાસ બજારોને ધ્યાનમાં રાખીને, ટ્રેનોને સ્ટાન્ડર્ડ ગેજ ટ્રેક માટે બનાવવામાં આવશે.”