હડકવા વિરોધી રસી માટે લોકોનો રઝળપાટ
કપડવંજ તાલુકાના લાલ માંડવા ગામમાં એક હડકાયા શ્વાને ગામના લોકોને માથે લેતાં ગામમાં હાહાકાર મચી ગયો હતો.જેમાં હડકાયા શ્વાને ગામમાં જુદા જુદા વિસ્તારોમાં પાંચથી વધુ લોકોને તથા શ્વાન સહિત પશુઓને બચકા ભરી ઈજાગ્રસ્ત કર્યા હતાં.
કપડવંજના લાલ માંડવા ગામમાં એક હડકાયા શ્વાને હાહાકાર મચાવ્યો હતો. ગામના જુદા જુદા વિસ્તારોમાં એક બાદ એક મળી પાંચથી વધુ લોકોને તથા શ્વાન સહિત પશુઓને પણ બચકા ભર્યા હતા.શ્વાને ઈજાગ્રસ્ત કરતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સવારના ૧૦-૦૦ વાગ્યાના અરસામાં હડકાયા શ્વાને લોકોને બાનમાં લીધા હતાં અને બચકા ભરતાં ગ્રામજનો ભયભીત થઈ ગયા હતાં. ઈજાગ્રસ્ત લોકોએ નજીકના નિરમાલી પી.એચ.સી. તથા મોટીઝેર પી.એચ.સીમાં હડકવા વિરોધી રસી મુકાવવા જતા રસીનો સ્ટોક ઉપલબ્ધ નહીં હોવાને કારણે ગાંધીનગર અને નડિયાદ ખાતે જઈને સારવાર કરાવવી પડી હતી. રસીના અભાવે લોકોને ના છુટકે આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો.
આ અંગે ગામના સાબીરશા હુસેનશા દિવાને જણાવ્યું હતું કે તેમના દિકરાને શ્વાને બચકુ ભર્યું હતું.જેથી રસીકરણ માટે નિરમાલી પી.એચ.સી. માં લઈ જતા રસીનો સ્ટોક નહીં હોવાથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જવાની ફરજ પડી હતી. ગામના આગેવાન અને પૂર્વ સરપંચ ઈલમુદ્દીન સુલતાનમીયાં કાઝીએ જણાવ્યું હતું કે લાલ માંડવા ગામની ૪૫૦૦થી વધુની વસ્તી ધરાવતા ગામમાં સવારે દશ વાગ્યાની આસપાસ હડકાયા શ્વાને પાંચ લોકોને બચકા ભર્યા હતા.તથા બાજુના ભોજાના મુવાડામાં ત્રણ પશુઓ તથા લાલ માંડવામાં બે પશુઓને બચકા ભર્યા છે. તેમજ ગામના બીજા શ્વાનને પણ હડકાયા શ્વાને શિકાર બનાવી તેને પણ બચકા ભર્યા છે. નિરમાલી પી.એચ.સી.માં રસીના અભાવથી ના છુટકે પૈસા ખર્ચીને ગાંધીનગર તથા નડિયાદ જવાની ફરજ પડી છે. અને હાલ બે લોકો ગાંધીનગર ખાતે સારવાર લઈ રહ્યા છે.તથા પશુઓની સારવાર માટે સત્વરે પશુ દવાખાનામાંથી સારવાર મળી તે માટે કાર્યવાહી કરવી જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નીરમાલી તથા મોટીઝેર પી.એચ.સી.માં વહેલી તકે હડક્વા વિરોધી રસી ઉપલબ્ધ કરાવવી જોઈએ જેથી લોકોને હાલાકી ના ભોગવવી પડે.જેનું કારણ એ છે કે આ શ્વાને બીજા શ્વાનને પણ બચકા ભર્યા છે જેથી આવનાર સમયમાં પુનઃ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.