નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તારીખ ૭ ઓક્ટોબર-૨૦૦૧ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીની તેમની ૨૩ વર્ષની સર્વગ્રાહી વિકાસ યાત્રાની ગાથા લોકો સુધી પહોંચે અને વિકાસલક્ષી પધ્ધતિથી લોકો જાગૃત થાય તે માટે તારીખ ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી રાજ્યમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના સુચારૂં આયોજન માટે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, “વિકાસ સપ્તાહ”ની ઉજવણી દરમિયાન થીમ આધારિત દિવસો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સોશિયલ મીડિયા- ડિજિટલ મીડિયા ઝૂંબેશ, સફળતાની ગાથા, યુવા વર્ગની સહભાગીતા, કલા સ્થાપત્ય, વિકાસ રથ, મહત્વના સ્થળોનું સુશોભન, ભીંત ચિત્રો માટે સ્પર્ધા, શાળા- કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ- પ્રવચનો, ક્વીઝનું આયોજન કરવાનું હોઈ આ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અન્વયે જિલ્લામાં અંદાજે રૂ. ૨૫૧ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ સપ્તાહમાં યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓમાં વહીવટી તંત્ર સાથે નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ પણ સહભાગી બને અને ઉજવણીને સાર્થક બનાવે તે માટેના પ્રયાસો કરવા ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓને કલેકટરશ્રીએ જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથીhttps://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ જિલ્લાના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધા અંગેનું સર્ટિફિકેટ પણ પોતાનાન નામ વાળું મેળવી શકશે.
કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી બેઠકમાં રિઝનલ મ્યુનિસિપલ કમિશનરશ્રી ડી. એમ. સોલંકી, નિવાસી અધિક કલક્ટરશ્રી એન. ડી. ગોવાણી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ તમામ પ્રાંત અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.