શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ મંદિર ૨૦૦ વર્ષની જીવંત પરંપરાનો મહોત્સવ ઉજવવા જઈ રહ્યું છે આ મહોત્સવની મંગલ પત્રિકાઓનું પૂજન પૂનમના રોજ સવારે ૮-૩૦ કલાકે કરવામાં આવ્યું. આચાર્ય મહારાજશ્રી અને વડિલ સંતોએ દેવોને પ્રથમ આમંત્રણ પત્રિકા પાઠવી.
વડતાલ વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવ તા.૭ નવેમ્બર થી તા.૧૫ નવેમ્બર દરમ્યાન ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે. જે અંતર્ગત તા.૧૭ ના રોજ સવારે ૭ઃ૦૦ થી ૮ઃ ૦૦ દરમ્યાન શુભમુર્હુતમાં આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડીલ સંતોના હસ્તે પત્રિકાનું પૂજન કરવામાં આવ્યું હતું.
આ પૂજનમાં ચેરમેનશ્રી દેવ સ્વામીજી – મુખ્ય કોઠારી ડો સંત સ્વામી , મહાસભા પ્રમુખ નૌતમ સ્વામી, બાપુ સ્વામી વગેરે સંતો મહંતો જોડાયા હતા. ત્યારબાદ મહારાજશ્રીએ વડતાલના દેવોને પ્રથમ પત્રિકા લખી હતી. સાથે સાથે છ ધામના દેવોને પણ આમંત્રણ પત્રિકા લખવામાં આવી હતી. ત્યારબાદ વાજતે ગાજતે આચાર્ય મહારાજશ્રી -સંતો-હરિભક્તો સાથે પત્રિકા લઈ મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. અને દેવોને પ્રથમ પત્રિકા અર્પલ કરાઈ હતી. આ પ્રસંગે વડીલ સંતો, સંપ્રદાયના અગ્રણી શ્રેષ્ઠીઓ, સહિત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.
મંદિરના કોઠારી ડૉ.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, આગામી નવેમ્બર ૨૦૨૪ માં તા.૭ થી ૧૫ નવેમ્બર દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયલ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવ ખૂબ જ ધામધુમ પૂર્વક ઉજવાનાર છે. હવે મહોત્સવને આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યા છે. ત્યારે તા. ૧૭ ગુરૂવારના રોજ મંગલ પ્રભાતે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા વડીલ સંતોના હસ્તે આમંત્રણ પત્રિકાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રથમ વડતાલના દેવોને પત્રિકા લખવામાં આવી હતી. ત્યારબાદ છ ધામના દેવોને અને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા સાળંગપુરને પત્રિકા લખવામાં આવી.
આ પ્રસંગે સત્સંગના અગ્રણી હરિભક્તોમાં મનોજભાઈ અજમેરા (મુંબઈ), અરવિભાઈ ડુંગરાણી, શેઠ પંકજભાઈ પટેલ (વડોદરા), શેઠ ભુપેન્દ્રભાઈ પટેલ (ભરૂચ) તથા શેઠ ભગવતીભાઈ મુખી પરિવાર મેતપુર-મુંબઈ, મહેન્દ્રભાઈ પટેલ (ટ્રસ્ટી) વગેરે અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
પત્રિકા લેખન બાદ સંતો-હરિભક્તોએ આરતી ઉતારી હતી. ચેરમેન દેવપ્રકાશ સ્વામી, નૌતમ સ્વામી, બાપુ સ્વામી વગેરે સંતોએ મહારાજને પત્રિકા અર્પણ કરી હતી. ત્યારબાદ આચાર્ય મહારાજે વડતાલના દેવોને મહોત્સવની આમંત્રણ પત્રિકા પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામવલ્લભ સ્વામી એ કર્યું હતું.
વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવ અંતર્ગત સત્સંગ મહાસભાના પ્રમુખશ્રી શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી વડતાલ ગાદીના આચાર્ય મહારાજ પ.પૂ.શ્રી રાકેશપ્રસાદજી મહારાજને રૂપિયા દોઢ કરોડની મર્સીડિઝ ગાડી ભેટ આપી હતી. તેનું પૂજન પુનમના રોજ નાસિક ઢોલના ધબકારે થયું હતું.