સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ કે ગ્લાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે અને ફરી ધર્મ સંસ્થાપના કરતાં રહે છે તેમ મોરારિબાપુએ જણાવ્યું. કાકીડી ગામે રામકથા ‘માનસ પિતામહ’ ગાનમાં શિવ પાર્વતી વિવાહ અને રામજન્મ સાથેનાં પ્રસંગો વર્ણવાયાં.
મહુવા પાસે એટલે તલગાજરડાનાં વાયુમંડળમાં કાકીડી ગામે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળી રહ્યો છે, જેમાં આજે મહાભારત અને રામાયણ સાથેનાં સંદર્ભો સાથે ચિંતન લાભ રજૂ થયો. આ રામકથા ‘માનસ પિતામહ’ ગાનમાં શિવ પાર્વતી વિવાહ અને રામજન્મ સાથેનાં પ્રસંગો વર્ણવાયાં. રામજન્મ પ્રસંગે યજમાન પરિવાર અને સેવકો દ્વારા સૌને મીઠાં મોઢાં કરાવી ઉજવણી કરવામાં આવી.
મારા કુંતા, કર્ણનું મૂળ નામ વસુસૈન તેમજ અન્ય પ્રસંગ વર્ણન સાથે ઈશ્વરનાં અવતારનાં હેતુઓ સમજાવતાં મોરારિબાપુએ બ્રાહ્મણ એટલે ધર્મ, ગાય એટલે અર્થ, દેવતા એટલે કામ અને સંતો એટલે મોક્ષ માટે ભગવાન અવતરે છે, જેમાં ક્રમશઃ પાંચ તત્વો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ રહ્યાનું તલગાજરડી દૃષ્ટિ સમજી રહ્યાનું ઉમેર્યું. આ સિવાયનું સહજ ધર્મ કાર્ય સાધુનું રહ્યાનું કહ્યું. સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ કે ગ્લાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે અને ફરી ધર્મ સંસ્થાપના કરતાં રહે છે તેમ મોરારિબાપુએ જણાવ્યું.
ભારતવર્ષ માટે સનાતન ધર્મ સંદર્ભે મોરારિબાપુએ ગાંધીજીનો મત રજૂ કરતાં કહ્યું કે, તેઓનાં કહેવાં મુજબ જેને મહાભારત કે રામાયણ વિશે ખ્યાલ નથી તેને ભારતીય હોવાનો અધિકાર નથી.
તુલસીદાસજીએ ક્રોધને પિત્ત રોગ, કામને વાતનો રોગ અને લોભને કફનો રોગ ગણાવેલ છે, તેમ જણાવી વ્યક્તિગત જીવનમાં રચાતાં મહાભારતમાં પણ ક્રોધ કેન્દ્રમાં હોય છે, તેનાંથી સાવધાન રહેવું. રામકથા ગાન કરાવતાં મોરારિબાપુએ સ્વાધ્યાય પ્રવૃત્તિનાં પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રીજી દાદાનાં સંસ્મરણો પણ રજૂ કર્યા.
નિમિત્તમાત્ર મનોરથી રહેલ સ્વર્ગસ્થ રમાબેન તથા વસંતભાઈ જસાણી પરિવાર દ્વારા ભાવિક શ્રોતાઓ માટે કથા શ્રવણ સાથે પરિવહન અને પ્રસાદ વગેરેની સુંદર વ્યવસ્થાઓ થઈ છે. આજુબાજુનાં ગામોમાં પણ સ્થાનિક સેવાભાવી દ્વારા વિવિધ સેવાઓ શરૂ રહી છે.