વિશ્વમાં ભારત સૌથી મોટું વિકસતુ અર્થતંત્ર જળવાઈ રહ્યું છે એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ)ના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું અને ભારતના બૃહદ્ આર્થિક ફન્ડામેન્ટલ્સ મજબૂત હોવાનું નિરીક્ષણ કર્યું હતું.
વિશ્વમાં ભારત સૌથી મોટું વિકસતુ અર્થતંત્ર જણાય છે. સાનુકૂળ લણણીને કારણે ગ્રામ્ય માગમાં રિકવરીના ટેકા સાથે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતનો આર્થિક વિકાસ દર સાત ટકા રહેવા અમારો અંદાજ છે.
ખાધાખોરાકીના ભાવમાં સામાન્યતા સાથે વર્તમાન નાણાં વર્ષમાં ફુગાવો ઘટી ૪.૪૦ ટકા રહેવા અપેક્ષા હોવાનું આઈએમએફ એશિયા પેસિફિક ડીપાર્ટમેન્ટના ડાયરેકટર કૃષ્ણા શ્રીનિવાસને પીટીઆઈને એક મુલાકાતમાં જણાવ્યું હતું.
ચૂંટણીઓ છતાં, રાજકોષિય શિસ્તતા તેના પંથે છે. રિઝર્વનું સ્તર સારુ છે. ભારત માટે મેક્રો ફન્ડામેન્ટલ્સ સારા છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. ચૂંટણી બાદ ભારતમાં સુધારા અગ્રતાઓ ત્રણ ક્ષેત્રોમાં હોવી જરૂરી છે. ભારતમાં રોજગાર નિર્માણ એક મુદ્દો રહેલો છે. આ સંદર્ભમાં મને લાગે છે કે, શ્રમ કાયદાનો અમલ થવો જરૂરી છે, કારણ કે તેનાથી લેબર માર્કેટમાં લવચિકતા જોવા મળશે એમ તેમણે જણાવ્યું હતું.
જો તમારે સ્પર્ધાત્મક બનવું હશે તો, હાલની કેટલીક વેપાર મર્યાદાઓ દૂર કરવાની રહેશે. આ ઉપરાંત માળખાકીય સુધારા પણ ચાલુ રાખવાના રહેશે એટલું જ નહીં કૃષિ તથા જમીન સુધારા પર પણ ધ્યાન આપવાનું તેમણે જણાવ્યું હતું.
શિક્ષણ તથા સ્કિલિંગ સંદર્ભે પણ વિચારવાનું તેમણે સૂચન કર્યું હતું. કાર્યબળમાં કુશળતા લાવવા માટે ઈન્વેસ્ટમેન્ટની જરૂરત પર ભાર આપતા શ્રીનિવાસને જણાવ્યું હતું કે, કોઈ અર્થતંત્ર જે સેવા ક્ષેત્રમાં બહુબધા રોજગાર નિર્માણ કરી શકે છે ત્યાં, ખરા પ્રકારની કુશળતા હોવી મહત્વની છે. માટે શિક્ષણ તથા કાર્યબળમાં કુશળતા પાછ ઈન્વેસ્ટ કરવાનું ઘણું જ જરૂરી છે.