હાલમાં ગુજરાતના એક પ્રતિષ્ઠિત ડાયરાના કલાકાર દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારો ની વચ્ચે સરખામણી કરવાનો મુદ્દો સમાચાર અને મીડિયામાં ખૂબ જ ધ્યાનમાં આવી રહ્યો છે. આ ટિપ્પણીથી કલાકારોએ દૂર રહેવું જોઈએ. ગુજરાતના દરેક જિલ્લા નો પ્રભાવી અને ગૌરવશાળી ઇતિહાસ રહેલો છે. ગુજરાતમાં ગુજરાતની અખંડિતતા ને જાળવી રાખતા પ્રવચનો તેમજ ડાયરાઓ કરવાથી એકતા ના સુર બંધાશે. તે કલાકારોને ધ્યાનમાં રાખવું આવશ્યક છે. ગુજરાત ના લોકોએ ક્યારેય પણ જિલ્લા અનુસાર વ્યવહાર રાખ્યો નથી. જેના કારણે જ વર્ષોથી ગુજરાત પોતાની અલગ છબી લઈને સમગ્ર વિશ્વભરમાં ચમકી રહ્યું છે. તેવા સમયે ગુજરાતના જનજાતિ વિસ્તારને તેની ગરિમા ને ઠેસ પહોંચાડવી તે ગુજરાતની અખંડિતતા માટે ચોક્કસથી એક ઘા સમાન છે. જનજાતિ વિસ્તારોનું પણ એક અલગ અને મહત્વપૂર્ણ યોગદાન ગુજરાતના વિકાસ મા ખૂબ મોટા પ્રમાણમાં રહેલું છે. ગુજરાતના કલાકારો પણ આજે દેશ-વિદેશમાં પ્રવાસ કરી અને ગુજરાતની પરંપરા સંસ્કૃતિ તેમજ ગુજરાતની કલાને પુરા વિશ્વ ફલક સુધી તેને પહોંચાડી ઉજાગર કર્યું છે. તે પણ દરેક ગુજરાતી માટે ખૂબ જ ગૌરવની બાબત છે. પરંતુ ગુજરાતના જિલ્લાઓની સરખામણી કરવી કે અન્ય જિલ્લાઓને ઓછું બતાવવાની ક્રિયાને સહેજ પણ આવકારવા યોગ્ય નથી. તેમજ કેમ કરીને ગુજરાતની અને આ દેશની અખંડિતતા માટેના ડાયરાઓ થકી લોકોમાં સંદેશ જાય અને દરેકે સમાજ એક થાય અને આપણા દેશ અને પ્રદેશ ને પ્રગતિ ના પંથે આગળ લાવવા માટે કાર્ય કરે તેવા વિષયોને લઈને ડાયરા થાય, તે સમગ્ર જનસમાજ ના હિત માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. દેશ અને ગુજરાતના જિલ્લાઓની સરખામણી કરી કોઈને ઊંચ તેમજ કોઈને નીચ બતાવવા તે ગુજરાતની અસ્મિતા માટે સહેજ પણ યોગ્ય નથી.