જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિ અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. જેમાં કલેકટરએ ખેતી, આરોગ્ય આંગણવાડી, સ્વચ્છતા, પીવાનું પાણી, જળસંચય સહિત વહીવટી તંત્રને સંબંધિત અન્ય બાબતોની ચર્ચા કરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
જિલ્લા કલેકટરએ ખેડૂતોને ટેકાના ભાવથી ખરીદી, ટીબીના દર્દીઓને નિક્ષય યોજના હેઠળ ૧૦૦% પોષણ કીટનો લાભ અપાવવા, પીએમજેવાય અંતર્ગત આરોગ્ય બાબતે જિલ્લામાં કોઈ પણ અનિચ્છિય ઘટના ના બને તેની તકેદારી રાખવા, કિશોરી, સગર્ભા અને ધાત્રી માતા- બહેનો લાભાર્થીઓને ૧૦૦% લાભ અપાવવા, આંગણવાડીના મકાનો માટે જગ્યાઓ ઉપલબ્ધ કરાવવા, જળ સંચયની કામગીરીને નિયુક્ત કમીટી દ્વારા ચોકસાઈ પૂર્વક મોનિટરિંગ કરી સફળતપૂર્વક કામ પૂર્ણ કરાવવા, ટેકનિકલ કારણો દૂર કરી તમામ ગામોમાં પીવાનું પાણી પહોંચતું થાય તે બાબતે કામગીરી કરવા, સ્વચ્છતાના કાર્યોને ઝુંબેશ તરીકે શરૂઆત કરવા, ડિઝાસ્ટર માટે જરૂરી સાધનોની અદ્યતન યાદી તૈયાર કરવા, કચેરીઓની કામગીરી વહીવટને સુદ્રઢ કરવા, કર્મચારીઓને નિયમિતતા અને આઉટસોર્સિંગ કર્મચારીઓના પુરા પગાર થાય એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
બેઠક અંતર્ગત જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, ચણા અને તુવેર દાળની ફાળવણી વિતરણ પ્રમાણ અને ભાવ, ઓક્ટોબર માસના વાજબી ભાવની દુકાન તપાસણીની વિગત, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી તથા મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો રજુ કરવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લા કલેક્ટરએ જિલ્લા બાળ શ્રમ નાબૂદી અને ટાસ્ક ફોર્સ, ડીસ્ટ્રીક્ટ લેવલ ફેસીલીટેશન સેન્ટર, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, પર્યાવરણ સમિતિ અને કાયદો વ્યવસ્થાપનની કામગીરી અંગે માર્ગદર્શક સુચનો આપ્યા હતા.
આ બેઠકમાં મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. વસાવા, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નાયબ વનસંરક્ષક અભિષેક સામરીયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી ભરત જોષી, ડીઆરડીએ ડાયરેક્ટર લલિત પટેલ, આસિસ્ટન્ટ કલેકટર અંચુ વિલસન, પ્રાંત અધિકારીઓ સહિત વહીવટી તંત્રના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.