આજે ઉત્તર પ્રદેશ, પંજાબ, કેરળ અને ઉત્તરાખંડની 15 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી થવાની છે. આ ઉપરાંત ઝારખંડમાં બીજા તબક્કા હેઠળ 38 વિધાનસભા બેઠકો અને મહારાષ્ટ્રમાં તમામ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. આ તમામ બેઠકોની મત ગણતરી 23 નવેમ્બરે કરાશે. જો કે પેટા ચૂંટણીના પરિણામોની ડાયરેક્ટ અસર સંબધિત વિધાનસભા પર પડશે નહીં.
ઉત્તર પ્રદેશમાં કટેહરી, કરહાલ, મીરાપુર, ગાઝિયાબાદ, મેઝાવાન, સિસામાઉ, ખૈર, ફુલપુર અને કુન્દારકી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે. આ તમામ બેઠકો પર કુલ 90 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ગાઝિયાબાદમાં સૌથી વઘુ 14 ઉમેદવારો છે.
ઉલ્લેખનીય છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં સિસામાઉ, કટેહારી, કરહાલ, કુન્દારકી વિધાનસભા બેઠકો પર સપાનો વિજય થયો હતો. જ્યારે ફુલપુર, ગાઝિયાબાદ, માઝાવાન અને ખૈરમાં ભાજપ તથા મીરાપુરમાં આરએલડીનો વિજય થયો હતો. પંજાબમાં આવતીકાલે ચાર વિધાનભા બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે. કેરળમાં એક અને ઉત્તરાખંડની એક વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી થવાની છે.
ઝારખંડમાં બીજા તબક્કા હેઠળ 14218 મતદાન મથકો પર સવારે સાત વાગ્યે મતદાન શરૂ થશે અને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. જ્યારે 31 મતદાન મથકો પર મતદાન ચાર વાગ્યે જ સમાપ્ત થઇ જશે. ઝારખંડમાં આજના મતદાનમાં મુખ્યપ્રધાન હેમંત સોરેન, તેમના પત્ની કલ્પના સોરેન તથા વિરોધ પક્ષના નેતા અમર કુમાર સહિતના 528 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થશે.