શિયાળાની ઋતુમાં હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે. આવું એટલા માટે થાય છે, કારણ કે ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે હૃદયને વધુ મહેનત કરવી પડે છે. આ તે લોકો માટે વધુ ખતરનાક બની શકે છે જેમને પહેલાંથી જ હૃદયરોગ અથવા હૃદય સંબંધિત કોઈ બીમારી છે.
પબ્લિક લાઇબ્રેરી ઓફ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, જે લોકોને પહેલાંથી જ હૃદયની બીમારી છે તેમનામાં ઠંડીમાં હાર્ટ-એટેકનું જોખમ 31% વધી જાય છે, તેથી શિયાળાની ઋતુમાં હૃદયને વિશેષ કાળજીની જરૂર છે.
દર વર્ષે વિશ્વમાં હૃદયરોગના કારણે 2 કરોડ મૃત્યુ થાય છે વર્લ્ડ હાર્ટ ફેડરેશન અનુસાર, સમગ્ર વિશ્વમાં હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે દર વર્ષે 2 કરોડથી વધુ લોકો મૃત્યુ પામે છે. મતલબ કે દર 1.5 સેકન્ડે એક વ્યક્તિ હૃદય સંબંધિત બીમારીઓને કારણે મૃત્યુ પામે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, હૃદય સંબંધિત સમસ્યાઓ વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. વર્ષ 2019માં આના કારણે લગભગ 1.79 કરોડ લોકોનાં મોત થયાં હતાં. આમાંથી 85% મૃત્યુ હાર્ટ-એટેક અને સ્ટ્રોકને કારણે થયાં હતાં.
અમેરિકન હાર્ટ એસોસિયેશનના જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, વર્ષ 2016માં ભારતમાં હૃદયરોગથી પીડિત લોકોની સંખ્યા 5.4 કરોડ હતી. આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે.
સૌથી વધુ હાર્ટ-એટેક ડિસેમ્બર મહિનામાં આવે છે વર્ષ 2018માં બ્રિટિશ મેડિકલ જર્નલમાં એક મહત્ત્વપૂર્ણ અભ્યાસ પ્રકાશિત થયો હતો. આ અભ્યાસમાં 1998 અને 2013 વચ્ચેના 16 વર્ષમાં સ્વીડનમાં થયેલા હાર્ટ-એટેકના કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આમાં સંશોધકોએ જોયું કે દર વર્ષે શિયાળાની ઋતુમાં હાર્ટ-એટેકના કેસમાં 15%નો વધારો થયો હતો. માત્ર 24 ડિસેમ્બરે ક્રિસમસના આગલા દિવસે હાર્ટ-એટેકમાં 37% વધારો થયો હતો.
અમેરિકન હાર્ટ એસોસિયેશનના જર્નલ ‘સર્ક્યુલેશન’માં વર્ષ 2004માં એક અભ્યાસ પ્રકાશિત થયો હતો. આ અભ્યાસ કહે છે કે અમેરિકામાં આખા વર્ષ દરમિયાન હાર્ટ-એટેકથી એટલાં મૃત્યુ નથી થતાં જેટલા એકલા 25 ડિસેમ્બરે થાય છે. આ પછી હાર્ટ-એટેકના કારણે સૌથી વધુ મૃત્યુ 26 ડિસેમ્બર અને ત્યાર બાદ 1 જાન્યુઆરીએ નોંધાયાં છે.
શિયાળામાં હૃદયને આખા શરીરમાં ઓક્સિજન પમ્પ કરવા માટે બમણી મહેનત કરવી પડે છે. ઠંડીને કારણે ધમનીઓ સંકોચાય છે. એના કારણે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે અને હૃદયના સ્નાયુઓને ઓક્સિજન ઓછો મળે છે. આવી સ્થિતિમાં સ્ટ્રોક અથવા હાર્ટ-એટેકની સંભાવના વધારે છે.
શિયાળામાં હૃદય સંબંધિત આ સમસ્યાઓ થઈ શકે છે
ઠંડીમાં હૃદય સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે, જેમાં હાર્ટ-એટેક, હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોક, હાઈ બ્લડપ્રેશર અને કાર્ડિયાક અરેસ્ટનો સમાવેશ થાય છે. શિયાળામાં કઈ પરિસ્થિતિઓમાં હાર્ટ-એટેકનું જોખમ હોઈ શકે છે, નીચેના પોઇન્ટર્સથી સમજો-
- ઠંડા વાતાવરણમાં ઝડપથી દોડવા કે ચાલવાથી થાક લાગે છે. આનાથી હૃદયને ઓક્સિજનની જરૂરિયાત વધે છે. આવી સ્થિતિમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળવાને કારણે હાર્ટ-એટેકનો ખતરો વધી જાય છે. હૃદયરોગથી પીડિત લોકોએ શિયાળામાં બહારની પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ.
- શિયાળામાં સિઝનલ ફ્લૂની શક્યતા વધી જાય છે. જો કોઈનું હૃદય પહેલેથી જ નબળું હોય તો સામાન્ય ફ્લૂ કે મોસમી તાવ પણ તેના હૃદય પર કામનો બોજ વધારી શકે છે. શરીર વધુ ઓક્સિજન માગશે અને હૃદયને વધુ મહેનત કરવી પડશે.
- ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે વૂલન કપડાં પહેરવાં જરૂરી છે, પરંતુ વર્કઆઉટ કરતી વખતે ખૂબ જાડાં ગરમ કપડાં ન પહેરો. આ દરમિયાન શરીરમાંથી ગરમી નીકળી જાય છે.
હાઇપોથર્મિયા આ એક સ્વાસ્થ્ય સ્થિતિ છે, જેમાં શરીર જેટલી ઝડપે ગરમી ઉત્પન્ન કરે છે એના કરતાં વધુ ઝડપથી ગુમાવે છે. હાઇપોથર્મિયાને લીધે શરીરનું તાપમાન સામાન્ય કરતાં નીચું એટલે કે 98.6 ફેરનહીટ (37 °C) થઈ જાય છે.
હાઇપોથર્મિયાનાં લક્ષણોમાં ધ્રુજારી, થાક, વધુપડતી ઊંઘ અને અસ્પષ્ટ વાણીનો સમાવેશ થાય છે. જો તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો હાઇપોથર્મિયા જીવલેણ બની શકે છે. જે લોકો પહેલાંથી જ હૃદયરોગથી પીડિત છે તેમને વધુ જોખમ હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિને હાઇપોથર્મિયા હોય તો તેને ગરમ જગ્યાએ લઈ જાઓ અને તેને પવનથી બચાવો. તબીબી સલાહ લેવાની ખાતરી કરો.
એનઝાઇના (કંઠમાળ) પેક્ટોરિસ
એનઝાઇના એ કોરોનરી ધમનીની બીમારી છે. શિયાળામાં લોહીનો પ્રવાહ ધીમો થવાને કારણે કોઈપણ વ્યક્તિ આનો શિકાર બની શકે છે. એનાં લક્ષણોમાં છાતીમાં દુખાવો, બેચેની, જડતા, પરસેવો અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. આ લક્ષણો વ્યક્તિ-વ્યક્તિમાં અલગ-અલગ હોઈ શકે છે અને થોડીક સેકન્ડથી લઈને થોડી મિનિટો સુધી ટકી શકે છે.
જ્યારે તમારા હૃદયને વધુ મહેનત કરવી પડે અને પૂરતો ઓક્સિજન મળતો ન હોય ત્યારે આવું થઈ શકે છે. આવું ત્યારે થઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિ શારીરિક રીતે ખૂબ મહેનત કરે, ભાવનાત્મક રીતે વ્યથિત હોય અથવા ભારે આહાર લે. ક્યારેક આ પરિસ્થિતિ ખતરનાક બની શકે છે, તેથી આવી સ્થિતિમાં ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.