શિયાળાની ઋતુમાં ધુમ્મસના કારણે ફ્લાઈટ્સ ડીલે થતી રહેતી હોય છે. જેના કારણે યાત્રીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે. આને ધ્યાનમાં રાખીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઈન્સને ફ્લાઈટમાં વિલંબ દરમિયાન મુસાફરોની સુવિધાનું ધ્યાન રાખવાની સૂચના આપી છે. DGCAએ ફ્લાઇટમાં વિલંબ થવાના કિસ્સામાં મુસાફરોને પાણી, નાસ્તો અને ખોરાક આપવાનું કહ્યું છે.
DGCAએ એરલાઈન્સને આપી આ સલાહ
DGCAએ અનુસાર જો ફ્લાઈટ બે કલાક લેટ થાય છે તો એરલાઈને યાત્રીઓને પીવાની પાણી ઉપલબ્ધ કરાવવાનું રહેશે. તેમજ જો બેથી ચાર કલાક માટે જો ફ્લાઈટ લેટ થાય છે તો ચા-કોફીની સાથે નાસ્તો પણ આપવાની સલાહ ડીજીસીએ કરી છે. જો ચાર કલાકથી વધુ લેટ થાય છે તો એરલાઇન્સે ભોજનની વ્યવસ્થા પણ કરી આપવાની રહેશે.
ઓછી વિઝિબિલિટીને કારણે મુસાફરોને વેઠવી પડે છે મુશકેલી
આ સિવાય સિવિલ એવિએશન સેફ્ટી બ્યુરોએ એરલાઈન્સને હવામાન કે ટેકનિકલ કારણોસર એરક્રાફ્ટમાં ફસાયેલા મુસાફરોને ફરીથી બોર્ડિંગ માટે સરળ એન્ટ્રી આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ પહેલા એરલાઈન્સ યાત્રિકોને પ્લેનમાંથી બહાર આવવાની મંજૂરી આપતી ન હતી. કારણ કે જો તે આવું કરે તો વારંવાર સુરક્ષા તપાસ કરવી પડે છે અને ફ્લાઇટનો ટેકઓફ સ્લોટ ગુમાવવાનું જોખમ હતું.
મંત્રાલયે કહ્યું કે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સંબંધિત પક્ષો દ્વારા અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે શિયાળામાં, ખાસ કરીને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવા ધુમ્મસથી પ્રભાવિત એરપોર્ટ પર, ઓછી વિઝિબિલિટીને કારણે મુસાફરોને ફ્લાઈટમાં વિલંબનો સામનો કરવો પડે છે.