સંરક્ષણ સંસ્થાઓ આત્મનિર્ભર ભારતના અભિયાનને આગળ લઈ જવામાં વધુ પ્રયાસો હાથ ધરી રહી છે. ત્યારે હવે વધુ એક ઉત્પાદનને ભારતમાં બનાવવાનો નિર્ણય કર્યો છે. હવે તેજસ એરક્રાફ્ટના પાઇલટ માટે ઇજેક્શન સીટ પેરાશૂટ કાનપુરમાં બનાવવામાં આવશે. આ સિદ્ધિ ભારતને અમેરિકા અને અન્ય યુરોપિયન દેશો પર નિર્ભરતામાંથી મુક્ત કરશે.
અમેરિકા તેમજ યુરોપિયન દેશો પરની નિર્ભરતા ખતમ થઈ જશે
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ગ્લાઈડર્સ ઈન્ડિયા લિમિટેડ કંપની સાથે મળીને OPF કાનપુર આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. હવે ઓર્ડનન્સ પેરાશૂટ ફેક્ટરી (OPF) તેજસ એરક્રાફ્ટના પાઇલટ્સ માટે ઇજેક્શન સીટ પેરાશૂટ બનાવશે. આ પેરાશૂટ બનાવ્યા બાદ ભારતની અમેરિકા સહિત અન્ય યુરોપિયન દેશો પરની નિર્ભરતા ખતમ થઈ જશે. અત્યાર સુધી ભારતીય સેના ત્યાંથી ફાઈટર પ્લેન માટે ઈજેક્શન સીટ પાઈલટ પેરાશૂટની ખરીદી કરતી હતી.
અપાતકાલની સ્થિતિમાં પાઈલટ સુરક્ષિત રીતે લેન્ડ કરી શકે છે
એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE), ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના એકમના એન્જિનિયરોએ ઈજેક્શન સીટ પેરાશૂટની રચના કરી છે જેથી અપાતકાલની સ્થિતિમાં તેજસના ફાઈટર પાઇલટ સુરક્ષિત રીતે લેન્ડ કરી શકે છે.
માર્ક 1A ફાઈટર જેટની ટોપ સ્પીડ 2205 કિ.મી. પ્રતિ કલાકથી વધુ
ડિઝાઇનની મંજૂરી મળ્યા પછી, સંરક્ષણ મંત્રાલયની PSU ગ્લાઇડર્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીનું એક એકમ OPF કાનપુર, ADRDE સાથે મળીને આ પેરાશૂટના ઉત્પાદનમાં રોકાયેલું છે. OPF એન્જિનિયરના જણાવ્યાનુસાર, તેજસ માર્ક 1A ફાઈટર જેટની ટોપ સ્પીડ 2205 કિ.મી. પ્રતિ કલાકથી વધુ છે. તે 50 હજાર ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે. આવી સ્થિતિમાં, સેનાએ કટોકટીની સ્થિતિમાં પાઇલટના સુરક્ષિત રીતે લેન્ડિંગ માટે ઇજેક્શન સીટ પાઇલટ પેરાશૂટ બનાવવાની માંગ કરી છે. આ અંગે કામ શરૂ થઈ ગયું છે.
આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ મળશે
આ અંગે OPFના જનરલ મેનેજર એમસી બાલાસુબ્રમણ્યમે કહ્યું કે, OPF માટે એ એક મોટી ઉપલબ્ધિ છે કે ADRDEએ તેજસ એરક્રાફ્ટ માટે ઇજેક્શન સીટ પાઇલટ પેરાશૂટ બનાવવાની જવાબદારી સોંપી છે. બંને સંસ્થાઓ મળીને સેના માટે આ પેરાશૂટ બનાવશે. આનાથી આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ મળશે.
આ રીતે પાઇલટને મદદરૂપ થશે
ફાઈટર પ્લેનમાં, પેરાશૂટ જે પાઇલટને સીટની સાથે જ જમીન પર નીચે લેન્ડ કરાવે છે. આ જ કારણે ફાઈટર પ્લેનની પાઇલટ સીટ પર સ્વદેશી ઈજેક્શન સીટ પેરાશૂટ ફીટ કરવામાં આવશે. ઈમરજન્સીમાં પાઇલટ કંટ્રોલ પાવર બટન દબાવતાની સાથે જ તે સીટની સાથે પ્લેનમાંથી બહાર આવી જશે અને પેરાશૂટ ખુલતાની સાથે જ તે સુરક્ષિત રીતે લેન્ડ કરી શક્શે. પેરાશૂટમાં સ્ટીલ, એલ્યુમિનિયમ, એલોય, ટાઇટેનિયમ એલોયના બનેલા ઉપકરણો હોય છે.