આજરોજ ઉમરેઠ મામલતદાર કચેરીએ તળપદા સમાજનું ધાડું ઉમટી પડતાં નગરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો. ઉમરેઠમાં રહેતા રાવજીભાઈ કનુભાઈ વાઘરી પોતાના પરિવાર સાથે ઉમરેઠ મામલતદાર કચેરીમાં આવી પહોંચીને ભૂખ હડતાળ પર બેસી ગયા હતા. મામલતદાર શ્રી ને આ વાતની જાણ થતાં તેઓએ ઉમરેઠ પોલીસ સ્ટેશનથી પોલીસ બોલાવી લીધી હતી. મીડિયા દ્વારા રાવજીભાઈ વઘારીને પૂછતા તેમણે જણાવેલું કે ઉમરેઠ રતનપુરા રોડ પર તેમનું વડીલો પારજિત ખેતર આવેલ છે જેનો સર્વે નંબર ૧૮૮૪ છે. આ ખેતર તેમના વડીલોના નામે ગણોતધારા હેઠળ હતું પણ અચાનક વર્ષ ૧૯૭૧ બાદ એમાં પોતાના પરિવારના નામની જગ્યાએ ખોટી રીતે અંબાલાલ રાવળનું નામ આવી ગયેલ છે. અમે બે વર્ષથી આના માટે કેસ લડી રહ્યા છીએ અને ખોટી રીતે નામ કયા આધારે ચડ્યું એ વિશેના કાગળ માંગવા ઉમરેઠ મામલતદાર કચેરીએ વારંવાર આવીએ છીએ છતાં એમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. માટે આનાથી કંટાળીને ન્યાય મેળવવા આજરોજ અમે પરિવાર સાથે મામલતદાર કચેરીએ ભૂખ હડતાલ પર બેઠા છીએ.
બીજી તરફ ઉમરેઠ મામલતદાર શ્રી નિમેશ પારેખને આ વિષયે પૂછતા તેઓએ જણાવ્યું કે જ્યારે આ વિષય બન્યો અને કેસ થયો ત્યારે મારું પોસ્ટિંગ ઉમરેઠમાં નહોતું. તેમનો આ કેસ અપિલેબલ છે માટે તેઓએ આ વિશે આગળ અપીલ કરી શકે છે. વધુમાં તેઓએ જણાવ્યું કે મે જે રીમાર્ક કર્યું છે તે કેવળ આગળના ઓર્ડર અનુસંધાન જ કરેલ છે અને મારા તરફથી કશું કરેલ છે. જે થયું છે તે બધું કાયદેસર પદ્ધતિથી જ થયું છે પણ આમ ટોળાશાહી કરીને મામલતદાર ઓફિસ આવવું અને સરકારી તંત્રને દબાવવાની કોશિશ કરવી એ ખૂબ ખોટુ છે.
વિવાદિત ખેતરના કહેવાતા માલિક પરિવાર આજરોજ ઉમરેઠ મામલતદાર કચેરીથી આણંદ કલેકટર શ્રી ની કચેરીએ ન્યાય મેળવવા પહોંચ્યો હતો પરંતુ કોઈ કારણોસર તેઓ આજે પોતાની રજુવાત કલેકટર સમક્ષ મૂકી શક્યા નથી. હવે જોવું રહ્યું કે વિવાદિત ખેતરને પોતાની માલિકીનું બતાવનાર તળપદા પરિવાર કાયદેસર સાચો છે કે નહિ કારણકે ઉમરેઠ મામલતદાર શ્રી એ સ્પષ્ટપણે મીડિયા સમક્ષ કહ્યું છે કે તેઓએ જે કર્યું છે તે કાયદેસર છે અને આ પરિવાર ખોટી રીતે તંત્રને દબાવવાની કોશિશ કરી રહ્યો છે.