બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાની નગર પ્રાથમિક શાળા નં.૨૪, નડિયાદ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ દ્વારા બાળલગ્ન, બાળકોને લગતી બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષાની યોજનાઓ તેમજ બાળકોના અધિકારો બાબતે બાળકો તેમજ શિક્ષકોને માહિતીગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 વિશે સરળ ભાષામાં સમજૂતી આપવામાં આવી હતી. કાયદા અનુસાર દીકરીની ઉંમર 18 વર્ષ અને દીકરાની ઉંમર 21 વર્ષથી ઓછી હોય તો તેવા લગ્નને બાળ લગ્ન ગણાય અને આ ગુના બદલ બાળકના માતા પિતા તેમજ લગ્નમાં સહભાગી થનાર તમામ વ્યક્તિ સામે એક લાખનો દંડ અને બે વર્ષની સજાની જોગવાઈ વિશે સમજૂતિ આપવામાં આવી હતી. જો કોઈ બાળ લગ્ન વિશે માહિતી મળે તો 1098 હેલ્પલાઇન, 100 નંબર, 181 મહિલા હેલ્પલાઇન તથા બાળ લગ્ન પ્રતિબંધકની કચેરીમાં જાણ કરવા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત અંદાજે ૧૧૦ જેટલા બાળકો તથા સ્ટાફ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.