દેડિયાપાડાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને બીટીપીના નેતા મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખીને માગ કરી છે કે, ગુજરાતમાં ત્રણ કે તેથી વધુ બાળકો પાલિકા-પંચાયતની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકતો કાયદો નાબૂદ કરવા જોઈએ. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સરસંઘસંચાલક મોહન ભાગવતે નાગપુરમાં કરેલા નિવેદનને ટાંકતા આ દરખાસ્ત કરી છે.
પત્રમાં વસાવાએ કહ્યું કે, ભાગવતે કહ્યું છે કે દેશમાં વસતીનું પ્રમાણ જાળવવા દરેકે ત્રણ બાળકો પેદા કરવા જણાવ્યું હતું. દેશના બંધારણ અનુસાર દરેક નાગરિકને ચૂંટણી લડવાનો અધિકારી પ્રાપ્ત છે. આ જોતાં ગુજરાતમાં 2005ના વર્ષથી ગુજરાતમાં બે કે તેથી વધુ બાળકો ધરાવતી વ્યક્તિ પાલિકા અને પંચાયતની ચૂંટણી લડી શકતી નથી તે મુજબનો કાયદો પ્રસ્થાપિત છે તે યોગ્ય નથી. ભાગવતે દર્શાવેલી ચિંતા ઉપર હકારાત્મક અભિગમ અપનાવી ગુજરાતમાં હવે જે પાલિકાઓ અને પંચાયતોની તેમાં વર્ષે જૂના કાયદાને નાબૂદ કરી દરેક વ્યક્તિને ચૂંટણી લડવાની તક આપવી જોઇએ. તેમણે કહ્યું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારના બાળકોને અભ્યાસ માટે ફીના 25 ટકા જ્યારે અન્ય વર્ગના બાળકોને 50 ટકા જેટલી મુક્તિ આપવી જોઇએ.
વસતી નિયંત્રણ માટે કાયદો કરવામાં આવ્યો હતો
ગુજરાતમાં 2005ના વર્ષમાં આવી રહેલી પાલિકા અને પંચાયતોની ચૂંટણી પહેલા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એક્ટ તેમજ પંચાયત ધારામાં સુધારો કરી ચૂંટણી લડવા માટે બે કે તેથી વધુ બાળકો ધરાવતી વ્યક્તિને અયોગ્ય જાહેર કરી હતી. અલબત્ત તે કાયદો અમલમાં આવ્યો તે પહેલા ત્રણ અથવા વધુ બાળકો ધરાવતી વ્યક્તિને તેમાં મુક્તિ અપાઈ હતી. વધતી જતી વસતીને નિયંત્રણમાં લાવવા ચૂંટાયેલા નેતાઓ જ ઉદાહરણરૂપ બને તેવા આશયથી આ કાયદો લાગુ કરાયો હતો.
ચૂંટણી લડવા ઘરમાં શૌચાલય પણ ફરજિયાત છે
આ અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 2014ના ઓક્ટોબર માસમાં એક વિશેષ વટહુકમ બહાર પાડીને નિયમ બનાવ્યો હતો કે જે વ્યક્તિના ઘરમાં શૌચાલય ન હોય તે વ્યક્તિ પાલિકા-પંચાયતમાં ચૂંટણી નહીં લડી શકે, જે પછીના વિધાનસભા સત્રમાં વિધેયક લાવી કાયદા તરીકે પ્રસ્થાપિત કરાયું હતું. ત્રણ વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણીમાં તો ઉમેદવારે ફોર્મ ભરતી વખતે પોતાની એક તસવીર ઘરના શૌચાલય પાસે પડાવીને સાથે બિડાણમાં જોડવાનો નિયમ બનાવાયો હતો. આ વખતે ઘણાં ઉમેદવારોના ફોર્મ પોતાના ઘરમાં શૌચાલય ન હોવાને કારણે રદ ઠર્યાં હતાં.