દેશમાં મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી પ્રથમ બુલેટ ટ્રેનનું( Bullet Train)કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જાપાનના સહયોગથી મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેનનું કામ અંતિમ તબક્કામાં છે. ભારતીય રેલવેનું લક્ષ્ય છે કે તેને વર્ષ 2026 સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. જોકે, મળતી માહિતી મુજબ રેલવે દેશમાં વધુ 7 રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવાની યોજના બનાવી રહ્યું છે.
દિલ્હીથી વારાણસી સુધી બુલેટ ટ્રેન ચલાવવાની યોજના
ભારતીય રેલ્વેના જણાવ્યા અનુસાર, મુંબઈથી અમદાવાદ સુધી બનાવવામાં આવનાર પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026માં શરૂ થઈ શકે છે. આ ટ્રેનની મહત્તમ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક હશે. આ સિવાય સરકાર દિલ્હીથી વારાણસી સુધી બુલેટ ટ્રેન ચલાવવાની પણ તૈયારી કરી રહી છે. બુલેટ ટ્રેન દોડ્યા બાદ 852 કિલોમીટરનું આ અંતર લગભગ અઢી કલાકમાં પૂર્ણ કરશે. હાલમાં દિલ્હીથી વારાણસી પહોંચવામાં લગભગ 12 કલાકનો સમય લાગે છે.
બુલેટ ટ્રેનનો ત્રીજો રૂટ દિલ્હી અને અમદાવાદ વચ્ચે બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ બંને શહેરો વચ્ચેનું અંતર લગભગ 971 કિલોમીટર છે, જેને પૂર્ણ કરવામાં હાલમાં 16 કલાકથી વધુનો સમય લાગે છે, પરંતુ બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ અંતર માત્ર 3 કલાકમાં કાપી શકાશે.
ભારતીય રેલવે પણ મુંબઈ અને નાગપુર વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહી છે. આ બંને શહેરો વચ્ચેનું અંતર લગભગ 770 કિલોમીટર છે અને હાલમાં તેને પૂર્ણ કરવામાં 10 કલાકથી વધુ સમય લાગે છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ અંતર માત્ર 2.25 કલાકમાં પાર કરી શકાશે.
આ ઉપરાંત મુંબઈ- પુણે- હૈદરાબાદ બુલેટ ટ્રેનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈથી હૈદરાબાદનું અંતર લગભગ 700 કિલોમીટર છે. જેને પૂર્ણ કરવામાં લગભગ 13 કલાકનો સમય લાગે છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ અંતર માત્ર 2.10 કલાકમાં પાર કરી શકાશે. આ દેશનો 6મો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હશે.
7મી બુલેટ ટ્રેન ચેન્નાઈથી બેંગ્લોર થઈને મૈસૂર વચ્ચે
દેશની 7મી બુલેટ ટ્રેન ચેન્નાઈથી બેંગ્લોર થઈને મૈસૂર જશે. ભારતીય રેલવેએ આ રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચેન્નાઈ અને મૈસૂર વચ્ચેનું અંતર 481 કિલોમીટર છે, જેને કાપવામાં લગભગ 9 કલાકનો સમય લાગે છે. પરંતુ, બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ અંતર માત્ર 1.30 કલાકમાં પાર કરી શકાશે.
વારાણસી અને હાવડા વચ્ચે બુલેટ ટ્રેનનું આયોજન
સરકારે 2019માં બુલેટ ટ્રેન દોડાવવાનો પ્લાન પણ તૈયાર કર્યો છે. આ ટ્રેન વારાણસી અને હાવડા વચ્ચે દોડશે. બંને શહેરો વચ્ચેનું અંતર લગભગ 676 કિલોમીટર છે, જેને પૂર્ણ કરવામાં લગભગ 15 કલાકનો સમય લાગે છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ અંતર માત્ર 2.05 કલાકમાં પાર કરી શકાશે.