પશ્ચિમ રેલ્વેના અધિકારીઓએ જણાવ્યું હતું કે વંદે ભારત સ્લીપર કોચ ટ્રેનના નવા પ્રોટોટાઇપનું અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે મહત્તમ ૧૩૦ કિમી પ્રતિ કલાકની ગતિનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ ટ્રાયલના ભાગ રૂપે, વૈભવી ઇન્ટિરિયર સાથેના ૧૬ કોચવાળી ટ્રેન બપોરે ૧:૫૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી અને બપોરે ૨:૪૫ વાગ્યે અમદાવાદ જવા રવાના થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેન બપોરે 12.40 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચવાની હતી પરંતુ કેટલાક “અનિવાર્ય” કારણોસર, તે લગભગ એક કલાક અને 10 મિનિટ મોડી પડી હતી.
પશ્ચિમ રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમે અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ૧૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વંદે ભારત સ્લીપર ટ્રેનનું કન્ફર્મેટરી ઓસિલોગ્રાફ કાર રન (COCR) પરીક્ષણ હાથ ધર્યું હતું. પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનમાં ૧૧ એસી-૩ ટાયર કોચ, ૪ એસી-૨ ટાયર કોચ અને એક ફર્સ્ટ ક્લાસ એસી કોચ છે. આમાં મોબાઇલ ઉપકરણો માટે ચાર્જિંગ પોર્ટ, ફોલ્ડેબલ સ્નેક ટેબલ, ઇન્ટિગ્રેટેડ લાઇટિંગ સિસ્ટમ અને લેપટોપ ચાર્જિંગ સેટઅપ જેવી સુવિધાઓ છે.