રાજ્યમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મનપા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરાયું છે, જેમાં રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીના કાર્યક્રમ અંગે રાજ્યના ચૂંટણી કમિશનર પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, 66 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે, ચૂંટણી વિસ્તારોમાં આજથી આચારસંહિતા લાગુ કરાયો છે, આ ચુંટણીમાં કુલ 2178 બેઠકો પર મતદાન યોજાશે, જેનું 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. ખેડા જિલ્લામાં ૨ તાલુકા પંચાયત કપડવંજ અને કઠલાલ, જ્યારે ૫ નગરપાલિકા મહેમદાવાદ, ડાકોર, મહુધા, ચકલાસી, ખેડાની સામાન્ય-મધ્યસત્ર ચૂંટણી યોજાશે.
આ સાથે જિલ્લા પંચાયત ચૂંટણીની વાત કરીએ તો ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થવાની બાકી છે. પરંતુ, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ હાલ ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીની તારીખો જ જાહેર થાય તેવી શક્યતા છે.