ઉમરેઠ શહેરની પંચવટી કાકાની પોળમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનમાંથી વરસો જુના તાંબા પિતળના તથા કાંસાના વાસણ મળી કુલ રૂ.1.62 લાખની મત્તા ચોરી કરી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી કરનારા છ શખ્સને પકડી પાડ્યાં હતાં.
વડોદરાના ભાયલીમાં રહેતા પ્રતિક હિતેશકુમાર શાહનું વડીલો પાર્જીત મકાન કાકાની પોળ પંચવટી વિસ્તારમાં આવેલું છે. આ મકાનમાં 19મી જાન્યુઆરીના રોજ તસ્કરો ત્રાટક્યા હોવાનું જાણવા મળ્યું હતું. આથી, પ્રતિક અને હિતેશકુમાર તાત્કાલિક ઉમરેઠ તોડી આવ્યાં હતાં. તેમના મકાનનું તાળુ તુટેલુ હતું અને ઘરનો દરવાજો ખુલ્લો હતો. જેથી અંદર જઈને જોયું તો ઘરનો સામાન વેર વિખેર પડેલો હતો. તેઓએ ખાતરી કરતાં તાંબા પિતળના તથા કાંસાના વાસણો કિંમત રૂ.1.57 લાખ તથા જુના ચલણી સિક્કા કિંમત રૂ.5500 મળી કુલ રૂ.1,62,500ની મત્તાની ચોરી થઈ હતી. આ અંગે ઉમરેઠ પોલીસે તપાસ હાથ ધરી હતી.
ઉમરેઠ પોલીસે શંકાસ્પદ શખ્સોની યાદી આધારે તપાસ કરતાં ગેંગની ભાળ મળી હતી. આ શખ્સો રીક્ષામાં વાસણ, સિક્કા લઇ જતાં પોલીસે તેમને પકડી પાડ્યાં હતાં અને ચોરીનો મુદ્દામાલ ઉપરાંત રીક્ષા, મોબાઇલ સહિત કુલ રૂ.2.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ શખ્સોની પુછપરછ કરતાં તે ઈશ્વર ઉર્ફે ઇકુ રમણ, સંજય ઉર્ફે લાલો ભગવત દંતાણી, દિલીપ ઉર્ફે પાપુ ભગવત દંતાણી, રાહુલ મહેશ દંતાણી, અર્જુન ઉર્ફે વિશાલ સુરેશ દંતાણી (રહે. વડોદરા) અને અજય રમેશ દંતાણી (રહે.ગોધરા) હોવાનું જણાવ્યું હતું. આ તમામ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.