નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું છે. 7 ફેબ્રુઆરી 2025 ના રોજ, કેન્દ્રીય મંત્રીમંડળે આ બિલને મંજૂરી આપી હતી. આ નવું બિલ 60 વર્ષ જૂના ઈન્કમ ટેક્સ કાયદાનું સ્થાન લેશે અને ટેકસ પ્રણાલીને વધુ સરળ બનાવશે.
નવા ટેક્સ બિલથી શું ફાયદો
12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત હોવાથી મધ્યમ વર્ગના લોકોને રાહત મળશે. આ ઉપરાંત, ટેક્સ ફાઇલિંગ સરળ બનશે, કાગળકામ ઓછું થશે અને ઓનલાઈન ટેક્સ રિટર્ન ફાઇલિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. નવી રિઝોલ્યુશન મિકેનિઝમ કર વિવાદોનો ઝડપથી ઉકેલ લાવશે. તે જ સમયે, આ બિલને કારણે ડિજિટલ પેમેન્ટ અને વ્યવસાયને પ્રોત્સાહન મળશે.
નવા ટેક્સ બિલમાં થયેલા 10 ફેરફારો
(1) પાનાની સંખ્યામાં ઘટાડો
નવા આવકવેરા બિલમાં પહેલો અને મોટો ફેરફાર સામાન્ય લોકો સમજી શકે તેવો છે તેમાં પેજની સંખ્યા પણ ઘટાડાઈ છે. 1961ના આવકવેરા બિલમાં 880 પાના હતા તેને બદલે નવા કાયદામાં 622 પાના છે.
(2) ટેક્સ ઈયર નવા રુપમાં
નવા ઈન્કમ ટેક્સ બિલમાં ટેક્સ ઈયર પણ બદલવામાં આવ્યું એટલે કે ફક્ત એક જ ટેક્સ ઈયર ગણાશે. ઉદાહરણ તરીકે, 1 એપ્રિલ, 2015 થી 31 માર્ચ, 2026 સુધી, કર વર્ષ 2025-26 રહેશે. મતલબ કે, નાણાકીય વર્ષના આખા 12 મહિના હવે કર વર્ષ કહેવાશે.
(3) સ્ટાન્ડર્ડ ડિડક્શન યથાવત
નવા ટેક્સ બિલ હેઠળ જો તમે પગારદાર વ્યક્તિ છો, તો તમને જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ 50,000 અને નવી ટેક્સ સિસ્ટમમાં 75,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે.
(4) CBDT પોતાની મેળે નવી ટેક્સ પ્રણાલી બહાર પાડી શકશે.
(5) શેરબજાર માટે ટૂંકા ગાળાના મૂડી લાભ યથાવત, ટુંકા ગાળાના મૂડી લાભ માટે ટેક્સ 20 ટકા અને લાંબા ગાળાના મૂડી લાભ કર 12.5 ટકા પર ટેક્સ લાગશે.
(6) નવા આવકવેરા બિલ હેઠળ, પેન્શન, NPS યોગદાન અને વીમા પર કર કપાત ચાલુ રહેશે. નિવૃત્તિ ભંડોળ, ગ્રેચ્યુઇટી અને પીએફ યોગદાનને પણ કર મુક્તિ હેઠળ રાખવામાં આવ્યાં છે.
(7) કર ન ભરવા પર વધુ વ્યાજ અને દંડની જોગવાઈ, જો કોઈ વ્યક્તિ પોતાની આવક છુપાવવાનો પ્રયાસ કરે છે, તો તેનું ખાતું જપ્ત થઈ શકે છે. આ ઉપરાંત, ખોટી કે અધૂરી માહિતી માટે આકરો દંડ લાગુ પાડવામાં આવશે.
(8) ઈ-કેવાયસી અને ઓનલાઈન ટેક્સ ચુકવણી ફરજિયાત
(9) ખેડૂતો, ધાર્મિક ટ્રસ્ટો, સંસ્થાઓ અને દાનની રકમ પર ટેક્સ મુક્તિ
(10) વિવાદિત કેસો ઘટાડવા માટે બિલને સરળ બનાવાયું છે.