ગઢવાલ હિમાલયના મનમોહક પહાડો વચ્ચે સ્થિત કેદારનાથ મંદિર, છ મહિના સુધી બંધ રહ્યા બાદ 2 મે, 2025 ના રોજ ભક્તો માટે કપાટ ખોલી દેવામાં આવ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, શુક્રવારે (2 મે, 2025) 30,000 થી વધુ ભક્તોએ કેદારનાથ મંદિરમાં દર્શન કર્યા. જણાવી દઈએ કે, આ મંદિર સૌથી પવિત્ર હિન્દુ તીર્થસ્થળોમાંનું એક છે, જે ચાર ધામ યાત્રાનો એક ભાગ છે. દર વર્ષે હજારો ભક્તો આ યાત્રા કરવા આવે છે. કેદારનાથ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં 11,968 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. જો આ વર્ષે કેદારનાથ મંદિરના દર્શને જવાનો પ્લાન હોય તો જાણી લો કે કેટલી વસ્તુઓ તમારી સાથે લઈ જવાની જરૂર છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.
જાણો કેદારનાથની યાત્રા વિશે
યાત્રા દરમિયાન ધ્યાનમાં રાખો આ બાબતો
ગઢવાલ હિમાલયની સુંદરતા અને આસપાસના નજારાને કારણે કેદારનાથની યાત્રા દરમિયાન લગભગ દર મિનિટે ફોટા પાડવાની ઈચ્છા જરૂર થશે. સુંદર દ્રશ્યોના ફોટો લેવામાં કોઈ જ વાંધો નથી, પરંતુ સ્થાનિકોના ફોટો લેવાનું બને ત્યાં સુધી ટાળો. સ્થાનિક લોકોના ફોટા લેતા પહેલા હંમેશા પરવાનગી લો અને તેમની પ્રાઇવેટ ક્ષણોમાં દખલ કરવાનું ટાળો.
કેદારનાથની યાત્રા કરતી વખતે સભ્ય વર્તન કરવાની સલાહ આપવામાં આવે છે. તેનો અર્થ એ છે કે ફરીથી વાપરી શકાય તેવી પાણીની બોટલો સાથે રાખો, સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો અને કચરો કચરાપેટીમાં જ નાખો. જો આસપાસ કચરાપેટી ન હોય તો કાચો પોતાની સાથે રાખો અને કચરાપેટી દેખાય ત્યારે તેમાં અજ કચરો નાખો. આ સાથે, ધીમા અવાજમાં બોલવાનું રાખો અને ઊંચા અવાજે મ્યુઝિક ન વગાડવું જોઈએ, આમ કરીને ધ્વનિ પ્રદૂષણ ઘટાડવામાં ફાળો આપી શકો છો.
યાત્રા દરમિયાન સાથે રાખો કેશ
કેદારનાથ યાત્રા દરમિયાન પોતાની સાથે કેશ રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે શહેરમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સિસ્ટમની પહોંચ ખૂબ જ મર્યાદિત છે. સાથે જ એટીએમ ઉપલબ્ધ છે, પરંતુ તે અચાનક બગડી શકે છે અથવા બંધ પણ થઈ શકે છે, અથવા તેનો ઉપયોગ કરવા માટે લોકોની લાંબી લાઈનો પણ લાગી શકે છે.
કેદારનાથ યાત્રા માટે તમારી બેગમાં હોવી જોઈએ આ જરૂરી વસ્તુઓ
કેદારનાથ યાત્રાનું પેકિંગ કરતી વખતે, સ્વેટર, વૂલન જેકેટ, થર્મલ, વૂલન કેપ, યોગ્ય શૂઝ, ગ્લોવ્ઝ, આઈડી કાર્ડ, રેઈનકોટ, ફર્સ્ટ એઇડ કીટ, સનસ્ક્રીન અને પાવર બેંક જેવી આવશ્યક વસ્તુઓ બેગમાં રાખો. ચોમાસાની ઋતુમાં બેટરી વાળી ટોર્ચ સાથે જરૂર રાખવી અને શક્ય હોય તો મુસાફરી ન કરવી. કારણ કે કેદારનાથમાં ખડકો પડવા અને ભૂસ્ખલનને કારણે ઘણા દિવસો સુધી અટવાઈ જવાની સંભાવના રહે છે.
સત્તાવાર માર્ગદર્શિકાના નિયમોનું પાલન કરો અને હવામાન અને કેદારનાથના સમાચારથી અપડેટ રહો. આ સાથે, જણાવી દઈએ કે કેદારનાથ મંદિરનો રસ્તો લાંબો અને મુશ્કેલ છે અને તેના અંત સુધીમાં, શારીરિક રીતે થાકી જવાય છે. એટલા માટે સ્વાસ્થ્ય અને ઉત્સાહને જાળવી રાખવા માટે, ડ્રાય ફ્રુટ્સ, સુકો નાસ્તો, મગફળી, ખજૂર, ચોકલેટ અને એનર્જી બાર જેવા નાસ્તા ખાતા રહો અને પોતાની જાતને હાઇડ્રેટેડ રાખો. આ સાથે, કેદારનાથ આવતા પહેલા રહેવાની વ્યવસ્થા અગાઉથી કરી લેવાની સલાહ આપવામાં આવે છે.