જમ્મુ-કાશ્મીરના પહલગામમાં બૈસરન ખીણમાં આતંકી હુમલામાં નિર્દોષ 26 લોકોના જીવ લેનારા આતંકવાદીઓ 20 દિવસ બાદ પણ પકડાયા નથી. તેમની ધરપકડ કરવા પોલીસે અને સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે. તેમજ તેની બાતમી આપનારા માટે રૂ. 20 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોની ટીમે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી હુમલાખોર આતંકવાદીઓની ધરપકડ કરવાની આકરી કવાયત હાથ ધરી છે. તેમ છતાં તેઓ હજુ સુધી પકડ્યા નથી.
#WATCH | Jammu & Kashmir | Posters appear in different parts of Pulwama District, announcing Rs 20 lakh reward on information of terrorists involved in Pahalgam terror attack pic.twitter.com/QN6cqfHq7r
— ANI (@ANI) May 13, 2025
પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદીઓએ બૈસરન ખીણમાં પર્યટકો પર અંધાધૂધ ગોળીબાર કરી ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં 26 નિર્દોષની તેમના જ પરિવારની સામે હત્યા કરી હતી. આ ઘટનાથી ભારત સહિત વિશ્વમાં ખળભળાટ મચ્યો હતો. આતંકવાદને વર્ષોથી પોષનારૂ અને સમર્થક પાકિસ્તાનની ભારે ટીકાઓ થઈ હતી. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ આ હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણા નષ્ટ કર્યા હતાં. જેમાં 100 જેટલા આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો.
જ્યારે જરૂર પડશે ત્યારે ઓપરેશન સિંદૂર હાથ ધરાશેઃ મોદી
ભારતીય સેના દ્વારા 7 મેના રોજ આતંકવાદનો સફાયો કરવા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. 7થી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ બાદ સીઝફાયર પર સહમતિ આપવામાં આવી હતી. આ સીઝફાયર બાદ ગઈકાલે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, પહલગામ આતંકી હુમલામાં ભારતીય મહિલાઓના સિંદૂર ઉજાડનારાને સજા આપવાના ભાગરૂપે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું. જ્યારે જ્યારે આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહીની જરૂર પડી ત્યારે ઓપેરશન સિંદૂર હાથ ધરાશે. આ કાર્યવાહીમાં દેશનું સામાર્થ્ય અને સંયમ બંને જોવા મળ્યા. હું સૌથી પહેલા દેશની સેનાઓ, ગુપ્તચર એજન્સીઓ અને વિજ્ઞાનીઓને સલામ કરું છું. આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વીરતાને બિરદાવું છું.