ખેલ મહાકુંભ થકી યુવાઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી દેશનું ગૌરવ વધાર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યુવા પેઢીમાં ખેલદિલી, ટીમ વર્ક,રાષ્ટ્રભાવના કેળવાય અને સૌ મોબાઈલ છોડીને મેદાનમાં આવે તે હેતુથી સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત “સાંસદ પ્રીમિયર લીગ”, નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ તથા મહિલાઓની બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો કપડવંજ કેળવણી મંડળના મુખ્યાજી ક્રિકેટ એકેડમી ખાતે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, અમૂલના ચેરમેન વિપુલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવેલ ખેલ મહાકુંભના આયોજનથી નાના નાના ગામડા અને શહેરોના ખેલાડીઓ, યુવાનોએ આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમત-ગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભારતનું ગૌરવ વધાર્યું છે. આ પ્રકારની રમતોના આયોજનથી ભારતની નવી પેઢી ટીવી, મોબાઈલ કે કોમ્પ્યુટરની ચુંગાલમાંથી છુટે અને મેદાની રમતોમાં રસ લે,જેથી તેઓનામાં ખેલદિલી, સંપ, ટીમભાવના સાથે સમાજમાં રાષ્ટ્રભક્તિનું વાતાવરણ બને, તેમ જણાવી તેઓએ ગુજરાતમાં આગામી વર્ષોમાં ઓલમ્પિકના આયોજનમાં આ પ્રકારની રમતગમતની સ્પર્ધાઓ યુવાઓને પ્રોત્સાહન પૂરું પાડશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બની ગયું છે. ભારત અનેક ક્ષેત્રોમાં પ્રથમ સ્થાને છે. વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. તેઓએ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરી પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી સમગ્ર વિશ્વને પોતાની સૈન્ય શક્તિનો પરચો બતાવ્યો હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે અમૂલના ચેરમેન વિપુલ પટેલે ક્રિકેટ ઇતિહાસના ખેલદીલીના ઉદાહરણ આપી આવા આયોજનમાં પોતે તન, મન,ધનથી સહયોગ આપવાની ખાતરી આપી હતી. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ગોપાલ શાહે કર્યું હતું.
આ પ્રસંગે કપડવંજ પ્રાંત અધિકારી એ.બી.ઝાલા, તાલુકા વિકાસ અધિકારી બિપીન પરમાર, જિલ્લા ભાજપના મહામંત્રી અપૂર્વ પટેલ, અમિત ડાભી, રાજેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જે.કે.પરમાર, નગરપાલિકા પ્રમુખ વર્ષા પંચાલ, કપડવંજ તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્ર પટેલ, કઠલાલ શહેર ભાજપ પ્રમુખ પીન્ટુ શર્મા, મિતેશ શાહ, સુરેશ રાજગોર, શહેર ભાજપ મહામંત્રી રાઘવ દવે, નયન પટેલ, સુનિલ પંચાલ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે સાંસદ પ્રીમિયર લીગની પ્રથમ મેચ સરકારી વિભાગની જે ચાર ટીમો ભાગ લઈ રહી છે તેમની વચ્ચે ખેલાઈ હતી. જેમાં કલેકટર કચેરી, આરોગ્ય વિભાગ, ડીએસપી ઑફિસ અને ડીડીઓ ઑફિસના અધિકારીઓ, કર્મચારીઓની ટીમના ખેલાડીઓએ આ ક્રિકેટમેચમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. ખેડા સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ વિધાનસભા વિસ્તારમાંથી કુલ ૩૨ ટીમોએ ભાગ લીધો છે.