ટેક્નોલોજીના આ યુગમાં હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે જોડાયેલ મોટાભાગના કાર્યો ઓનલાઇન થઈ શકે છે. EPFOમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો ખુબજ જરૂરી છે, કારણ કે પાસવર્ડ રીસેટ, બેલેન્સ ચેક, ક્લેમની સ્થિતિ અને અન્ય સેવાઓ માટે OTP રજિસ્ટર્ડ નંબર પર જ મોકલવામાં આવે છે. જો તમારો મોબાઇલ નંબર અપડેટ નથી કે તમે નવો નંબર લીધો છે, તો તમે થોડા સરળ પગલાંમાં તેને ઘરે બેઠા અપડેટ કરી શકો છો.
PF એકાઉન્ટમાં કેવી રીતે અપડેટ કરશો મોબાઇલ નંબર?
EPFOની અધિકૃત વેબસાઈટ પર જઈને આ પ્રક્રિયા કરી શકાય છે.
સૌથી પહેલા સભ્યએ પોતાના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN), પાસવર્ડ અને કેપ્ચા કોડની મદદથી લૉગિન કરવું પડે છે.
ત્યારબાદ ‘Manage’ ટૅબમાં જઈને Contact Details વિકલ્પ પસંદ કરવો.
અહીં નવો મોબાઇલ નંબર બે વાર દાખલ કર્યા પછી ‘Get Authorization PIN’ પર ક્લિક કરવું.
તમારા નવા નંબર પર 4 અંકનો પિન આવશે, જેને દાખલ કર્યા પછી ‘Save Changes’ પર ક્લિક કરવું પડશે.
ત્યારબાદ EPFO દ્વારા મોબાઇલ નંબર અપડેટ થવાની પુષ્ટિ SMS દ્વારા મોકલવામાં આવશે.
જે લોકો ઓનલાઇન પ્રક્રિયામાં સહજ નથી, તેઓ આ કામ ઓફલાઇન પણ કરી શકે છે.
તેના માટે સભ્યએ એક ફોર્મ ભરી તેમાં નવો મોબાઇલ નંબર દાખલ કરવો પડે છે.
આ નવીન નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
આ ફોર્મને પર પોતાની સહી કરીને પ્રાદેશિક PF કચેરીમાં જમા કરાવવું પડે છે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી EPFO તરફથી એક પુષ્ટિ સંદેશ મોકલવામાં આવે છે.
EPFOનાં અન્ય મોબાઇલ આધારિત લાભ ઉમંગ એપ: EPFOની અનેક સેવાઓ જેવી કે પેન્શન સ્ટેટસ, ક્લેમ ટ્રેકિંગ, પેપર્સ વિના ક્લેમ, વગેરે મોબાઇલથી જ મેળવી શકાય છે.
મિસ્ડ કોલ સેવા: રજિસ્ટર્ડ મોબાઇલથી 9966044425 પર મિસ્ડ કોલ આપવાથી PF બેલેન્સની માહિતી મળી શકે છે.
SMS સેવા: 7738299899 પર EPFOHO <UAN> લખીને મોકલશો તો બેલેન્સની માહિતી મળશે.
મુખ્ય ટીપ્સ
તમારા UAN સાથે આધાર, પાન અને બેંક ડિટેઇલ્સ લીંક કરેલી હોવી ફરજિયાત છે.
EPFO પોર્ટલ અથવા ઉમંગ એપથી મોબાઇલ નંબર બદલી શકાય છે, પણ તે આધારકાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે.
ક્લેમ કરતી વખતે નવો નંબર રજિસ્ટર ન હોય તો પ્રક્રિયા અટકી શકે છે.
EPFOની આ સુવિધાથી લાખો કર્મચારીઓને લાભ મળશે, કારણ કે હવે તેમને વારંવાર ઓફિસના ધક્કા નહીં કરવા પડે. મોબાઇલ નંબર અપડેટ થતા EPFO સેવાઓ વધુ સરળ બની જાય છે, જેના કારણે ક્લેમથી લઈને બેલેન્સ ચેક સુધીની પ્રક્રિયા સરળ બની જાય છે.